રેસકોર્સ રીંગ રોડ ખાતે સાંજે ૫ કલાકે માર્ચ પાસ્ટ બાદ રન ફોર યુનિટી: ૩૦ હજાર લોકો એકતા માટે દોડ લગાવશે

નર્મદા જિલ્લાના કેવળીયા ગામ નજીક સાધુ બેટ પાસે એકતા અને અખંડીતતાનો સંદેશ આપતી ભારતના પનોતા પુત્ર અને લોખંડી પૂરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી ૧૨૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા ૩૧મી ઓકટોમ્બરની ઉજવણી એકતા દિવસ તરીકે કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી બુધવારે સાંજે રેસકોર્સ રીંગ રોડ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ હજારથી વધુ લોકો એકતા માટે દોડ લગાવશે.

DSC 0811આ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મહાપાલિકાના, જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા રાજય સરકારની સુચના મુજબ આગામી ૩૧મીના રોજ સાંજે ૫:૩૦ કલાકે રેસકોર્સ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિવિધ જ્ઞાતીના સમુદાયો અને એનજીઓ સહિત ૩૦ હજારથી વધુ લોકો એકતા માટે દોટ લગાવશે. એકતા યાત્રા રૂટ સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવન ખાતેથી શરૂ થઈ ૨.૭૦ કિ.મી.નો રેસકોર્સ રીંગ રોડ રહેશે. કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા પરર્ફોમેન્સ આપવામાં આવશે. આ અવસરે રાજકોટ પોલીસ દ્વારા રેસકોર્સ રીંગ રોડ પર ભવ્ય માર્ચ પાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રન ફોર યુનિટીમાં સામેલ થનાર દરેક નાગરિકને રાષ્ટ્રીય એકતાના સપથ લેવડાવવામાં આવશે. આ રન ફોર યુનિટી રાજકોટ નહીં પરંતુ ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ બની રહેશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો છે.

પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભિખાભાઈ વસોયા, પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન આશીષભાઈ વાગડીયા ઉપસ્થિત રહ્યાં હતા.

રન ફોર યુનિટીમાં ઉમટી પડવા શહેરીજનોને સમાજ કલ્યાણ સમીતી ચેરમેનની અપીલ

આગામી બુધવારે રાજકોટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાતની બીગેસ્ટ ઈવેન્ટ બની રહે તેવો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો છે. એકતા અને અખંડીતતાનો સંદેશ આપતી આ રન ફોર યુનિટીમાં બહોળી સંખ્યામાં શહેરીજનોને ઉમટી પડવા અને ઐતિહાસીક અવસરના સાક્ષી બનવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન આશિષભાઈ વાગડીયાએ અપીલ કરી છે.

બુધવારે રેસકોર્સ રીંગ રોડ સાંજે ૩ કલાક એકબાજુ બંધ રહેશે

રાજય સરકારની સુચના અનુસાર મહાપાલિકા, શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૩૧મી ઓકટોમ્બરના રોજ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ રીંગ રોડ ખાતે ૩૦ હજારથી વધુ લોકો એકતા માટે દોડ લગાવશે ત્યારે સાંજે ૫ થી ૮ કલાક સુધી રેસકોર્સ રીંગ રોડ એક સાઈડ બંધ રાખવામાં આવશે તેમ આજે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, રન ફોર યુનિટીમાં આવતા લોકો માટે અલગ અલગ ત્રણ સ્થળોએ (૧) રેસકોર્સ રીંગ રોડ પર ફનવર્લ્ડની બાજુમાં આવેલા મેદાન ખાતે (૨) બહુમાળી ભવન ખાતે અને (૩) દિવ્યાંગો માટે પોલીસ હેડ કવાર્ટર ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.