કેન્દ્રીય અને રાજયના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને એક મહિનામાં જવાબ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
મોરબી-વાંકાનેર સીરામીક ઈન્ડસ્ટ્રીયલ કલસ્ટરમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય તેમજ રાજયના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ પાઠવી છે.
અરજકર્તા વકીલ કે.આર.કોશ્ટીએ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને પ્રદૂષણ ફેલાવતા યુનિટ સામે પગલા ભરવાનો આદેશ આપવામાં આવે તેવી માંગણી કરી છે. મોરબી અને વાંકાનેરના સીરામીક યુનિટમાંથી કોલ ગેસીફાયર હટાવી તેના સ્થાને પીએનજીથી ચાલતા ગેસીફાયર મુકવામાં આવે તેવો આદેશ તંત્રને આપવા હાઈકોર્ટને અરજી કરી છે.
કોલ ગેસીફાયર યુનિટોને કારણે પાણી પ્રદૂષિત થતું હોવાની દલીલ પણ કરવામાં આવી છે. હાલ પાણી તળીયે હોય ત્યારે આ મામલો ગંભીર હોવાનું કહેવાયું છે. આ મામલે હાઈકોર્ટે સીપીસીબી જીપીસીબીને નોટિસ ફટકારી એક મહિનામાં જવાબ આપવા કહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા હાઈકોર્ટે કોલ ગેસીફાયરથી મોરબીમાં ચાલતા સીરામીક યુનિટમાં ઉત્પાદન ઉપર રોક લગાવી હતી. ત્યારબાદ ફરી આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.