સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ૨૦૦૮થી ચાલતો ખટરાગ સપાટી પર આવ્યો
રાતો-રાત જવાબદારીઓમાં ફેરબદલી અને પોસ્ટીંગમાં વર્ચસ્વની લડાઈ ઉપરી અધિકારીઓની ફાઈટનું કારણ
ગુના અને ભ્રષ્ટાચારની તપાસ કરતી દેશની સર્વોચ્ચય સંસ્થા સીબીઆઈની અંદરો-અંદરની લડાઈ હાલ ચર્ચાનો વિષય બની ચૂકી છે. સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ના ડાયરેકટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના વચ્ચે છેલ્લા ઘણા વખતથી આરોપ-પ્રતિ આરોપનો દૌર ચાલી રહ્યો હતો. હવે આ મામલે શું રંધાઈ રહ્યું છે તે સમગ્ર દેશ જાણવા માંગે છે. જો કે, સીબીઆઈનો અંદરો-અંદરનો આ કકળાટ કયાંથી આવ્યો તે પણ મોટો પ્રશ્ર્ન છે.
સીબીઆઈના વિવાદ બાદ સરકાર પણ સલવાઈ છે. સરકારે બન્ને વડાઓને ફરજીયાત રજા ઉપર મોકલી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ સીબીઆઈ પોતે જ એક શ્રેષ્ઠ અને સર્વોચ્ચ તપાસ સંસ્થા હોવાથી તેના અધિકારીઓની તપાસ કોણ કરશે તે પ્રશ્ન ઉભો થયો હતો. સીબીઆઈના અધિકારીઓ વચ્ચે લાંચ અને તોડ અંગે ખટરાગ સામે આવ્યા બાદ ભુતકાળના વિવાદો પણ ફરી ઉભા કરાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
સીબીઆઈ હમેશા વિવિધ રાજકીય વિવાદોમાં ફસાતી આવી છે. કેન્દ્ર સરકારનો પોપટ હોવાનો આક્ષેપ સીબીઆઈ ઉપર અવાર-નવાર થઈ ચૂકયો છે. વર્ષ ૨૦૦૮માં સીબીઆઈના સ્પેશ્યલ ડિરેકટર વિજય શંકર પાસેથી ચાર્જ એમ.એલ.શર્માએ લીધો હતો. ત્યારબાદ એમ.એલ.શર્માને એકાએક હટાવી અશ્વિનીકુમારને જવાબદારી સોંપાઈ હતી. જેનું કારણ તેઓ ભૂતકાળમાં રાજીવ ગાંધી સાથે કામ કરી ચૂકયા હોવાનું અપાયું હતું.
વર્ષ ૨૦૧૬માં પણ સીબીઆઈના અધિકારીની એકાએક બદલી થતાં ચકચાર મચી જવા પામી હતી. આર.કે.દત્તા તે સમયે ૨જી અને કોલસાકાંડની તપાસ કરી રહ્યાં હતા. આ ઉપરાંત તેમની પાસે મહત્વના મોટા કેસ હતા. જો કે, ગૃહ મંત્રાલયે તેમના સ્થાને રાતો-રાત રાકેશ અસ્થાનાને જવાબદારી સોંપી હતી. રાકેશ અસ્થાના ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે ઘણા સમય સુધી કામ કરી ચૂકયા છે.
આર.કે.દત્તાને તો એકાએક હટાવી દેવાયા પરંતુ આલોક વર્મા હાર માને તેવા નથી. સીબીઆઈમાં અત્યારે ચાલી રહેલી લડાઈ હકીકતમાં ભ્રષ્ટાચાર મામલે નહીં પરંતુ એજન્સીમાં કોનો હાથ ઉપર રહેશે તે અંગે છે. આલોક વર્મા ઘણા સમયથી કેટલાક અધિકારીઓને ટોચના હોદ્દા પર પોસ્ટીંગ અપાવતા હતા તેવા આક્ષેપો છે. જો કે, અસ્થાના આ મામલે તેમના વિરુધ્ધ હતા.
હાલ તો સીબીઆઈની ઈનફાઈટમાં રાજકીય લાભ ખાટવાના પ્રયાસ થઈ રહ્યાં છે. આલોક વર્માને યોધ્ધા ગણાવવામાં આવી રહ્યાં છે. પરંતુ સમગ્ર વિવાદની સચ્ચાઈ કંઈક જૂદી જ હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળમાં અદાલત સીબીઆઈને પાંજરે પુરેલો પોપટ ગણાવી ચૂકી છે ત્યારે હવે સમય પાકી ગયો છે. જયારે સમગ્ર મામલો અદાલતના દ્વારે પહોંચ્યો છે અને અદાલત પાંજરે પુરેલા પોપટને છૂટો મુકી શકે છે.