બોલબાલા ટ્રસ્ટ તથા જીલ્લા કાનુની સેવા સતા મંડળના સંયુકત ઉપક્રમે શહેરની મધ્યસ્થ જેલના કેદી ભાઈ-બહેનોના મનોરંજન માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદી ભાઈઓ દ્વારા રાસ-ગરબા ટીટોડા જેવી પ્રાચીન કૃતિઓ રજુ કરવામાં આવી હતી ત્યારબાદ શહેરની મુકેશ ફેન કલબના મનસુખભાઈ વાવેચા તથા તેમની ટીમના સભ્યો હસમુખભાઈ સોની, ગીતાબેન ગઢવી, પુનમ ગોંડલીયા વગેરેએ વિતેલા વર્ષોના યાદગાર ગીતો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે એડી.ડીસ્ટ્રીક જજ પવાર, ડીવાયએસપી દેસાઈ, રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, રમેશભાઈ ટીલાળા, કિશોરભાઈ ટીલાળા, જયેશ ઉપાધ્યાય, જયદિપભાઈ, ગીતાબેન, અંજલીબેન તથા સુરેશભાઈ મારૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જયેશ ઉપાધ્યાયે જણાવેલ કે આગામી દિવાળીના તહેવારોને અનુપ જેલમાં અલગ-અલગ અભિયાન તથા રંગોળી સ્પર્ધા જેવા સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શાપર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના માન્ય ચેરમેન રમેશભાઈ ટીલાળાએ જણાવેલ કે જેલમાં જે કોઈ સુધારા-વધારા કરવા માટે તમામ પ્રકારની મદદ કરવાની તત્પરતા દાખવી હતી. આભાર દર્શન કરતા જેલ અધિક્ષકે દાતાનો તથા ખુબ જ ટુંકા સમયમાં આવ સુંદર કાર્યક્રમ પાર પાડવા જયેશ ઉપાધ્યાય તથા તેમની ટીમના સભ્યોનો હૃદયપૂર્વક આભાર માની સૌને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા. આજના આ કાર્યક્રમ પ્રસંગે જેલના તમામ કેદી ભાઈઓ-બહેનોને યાદગીરીરૂપે સેસા તેલની બોટલ ભેટ તરીકે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા કાનુની સેવા સતા મંડળ તથા મુકેશ ફેન કલબ અને બોલબાલા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.