જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બે પોલીસકર્મીને દસ દિવસ પહેલા રૃા.અડધા લાખની લાંચ લેવાના ગુન્હામાં એસીબીએ પકડી પાડયા પછી આરોપીઓએ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપીઓ જે છટકામાં ફસાયા તે પહેલા ચાર દિવસ પૂર્વે ગોઠવાયેલું નિષ્ફળ ગયું હતું.
તેવી આરોપીઓના વકીલે અદાલતમાં દલીલ કરી હતી.જામનગર તાલુકાના સિક્કામાં ચલાવવામાં આવતી ટ્રાન્સપોર્ટ પેઢીના કેટલાક ટ્રક પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવતા આ પેઢીના મેનેજર સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળ્યા હતા .
જેમાં તેઓએ જણાવ્યા મુજબ પીએસઆઈ એસ.કે. મહેતાએ દર મહિને રૃા.૧ લાખની રકમ હપ્તા પેટે માગી હતી તેની વાત મેનેજરે ટ્રાન્સપોર્ટ પેઢીના માલિકને કર્યા પછી દર મહિને કથિત રીતે રૃા.પ૦ હજાર આપવાનું ઠરાવાયું હતું જેની સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ નોંધાવાતા ગઈ તા.૧પ-૧૦ના દિને સુરેન્દ્રનગરથી ત્રાટકેલા એસીબીના સ્ટાફે જામનગરની જી.જી. હોસ્પિટલમાં છટકું ગોઠવી પીએસઆઈ મહેતા, એએસઆઈ એચ.એમ. તરૈયા, હે.કો. ડી.એન. મકવાણાને લાંચ લેતા પકડી પાડી ગુન્હો નોંધ્યો હતો.
અંદાજે પંદરેક વર્ષ પહેલા આવી જ રીતે બેડેશ્વર પોલીસચોકીમાં એસીબીએ છટકું ગોઠવી ત્રણ પોલીસકર્મીને લાંચના ગુન્હામાં પકડયા પછી ફરીથી એકસાથે ત્રણ પોલીસકર્મી લાંચમાં ઝડપાતા ચકચાર જાગી હતી. તપાસનીશ જામનગર એસીબીએ દેવભૂમિ દ્વારકા એસીબીની મદદથી ત્રણેેય આરોપીઓના ઘરની ઝડતી લીધી હતી, જેલ હવાલે થયેલા ત્રણેય આરોપીઓએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી.
અરજી અંતર્ગત આરોપીના વકીલે દલીલ કરી હતી કે, ટ્રાન્સપોર્ટર પેઢીના ટ્રક ક્ષમતા કરતા વધુ માલનું વહન કરતા હોય પોલીસે કેસ કર્યા જેના કારણે પેઢીને રૃા.૫૦ હજારનો દંડ ભરવો પડયો હતો તેથી ટ્રાન્સપોર્ટરો સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ કરવા ગયા હતા .
જેના ભાગરૃપે ગઈ તા.૧૧ના દિવસે સિક્કા પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવાયું હતું, પરંતુ તે નિષ્ફળ જતાં તા.૧પના દિવસે જી.જી. હોસ્પિટલના પટાંગણમાં ફરીથી છટકું ગોઠવવામાં આવ્યું હતું ત્યારે ફરિયાદીનું વર્તન શંકાસ્પદ છે, ત્રણેય પોલીસકર્મી ગુન્હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતા નથી.
પ્રથમ છટકું નિષ્ફળ ગયું છે તેવી દલીલ કરી આરોપીઓને જામીન મુક્ત કરવા માટે માગણી કરતા અદાલતે ત્રણેય પોલીસકર્મીઓને રૃા.રપ-રપ હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આરોપીઓ તરફથી વકીલ વી.એચ. કનારા, ધીરેન કનારા, એસ.આર. દેવાણી, નિકુંજ કનારા, શ્રદ્ધા કનારા વગેરે રોકાયા છે.