સવારના સુમારે યુવતી સાથે આવેલા યુવાન સાથે એવું તે શું થયું ? બંધ બારણા પાછળના રહસ્યો ઉકેલવા પોલીસ ઉંધે માથે: સીસીટીવીની મદદ લઈ પોલીસે યુવાન સાથે આવેલી યુવતીની શોધખોળ આદરી
જૂનાગઢ બસ સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસમાં બદીઓ ફૂલતી ફાલતી રહે છે. ગણતરીના દિવસો પહેલા જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામના યુવાન અને તેની પ્રેમીકા સાળીએ ઝેર પી આપઘાત કર્યો હતો હજુ તેની શાહી સુકાઈ નથી ત્યાં ગઈકાલે તેમની બાજુનાજ ગેસ્ટ હાઉસમાંથી કુંકાવાવ તાલુકાના અનીડા ગામના રવિ અનંતભાઈ ગોલ ઉ.૨૩ની લાશ મળી આવતા બસ સ્ટેશન વિસ્તાર સમેત શહેરભરમાં આ ઘટનાને લઈ ચકચાર વ્યાપી જવા પામ્યો હતો.
ઘટનાની જાણ થતા જ મોટો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોચી તપાસ આદરી હતી. ગેસ્ટ હાઉસના જવાબદારો દ્વારા એવું જણાવાયું હતુ કે આ યુવાન ગઈકાલે સવારના સુમારે એક યુવતી સાથે ગેસ્ટ હાઉસમાં આવ્યો હતો અને સાંજના સુમારે મમાંથી તેની લાશ હોવાના પગલે તાત્કાલીક પોલીસને જાણ કરાઈ હતી.
આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે આવેલ સુનીલ ગેસ્ટ હાઉસમાં ગઈકાલે સવારના સુમારે પોતાને મુલ અનીડા ગામનો બતાવી એક યુવતી સાથે પોતાનું ઓળખ કાર્ડ આપી દાખલ થયેલ રવિ અનંતભાઈ ગોલની સાંજના સુમારે લાશ મળી આવતા ચકચાર વ્યાપી જવા પામી હતી.
ગેસ્ટ હાઉસ સ્ટાફની જાણકારી મુજબ આ યુવક સાથે આવેલી યુવતી બપોરનાં ૧ થી ૩ના ગાળામાં ગેસ્ટ હાઉસમાંથી રફુચકકર થઈ ગઈ હતી. સાંજના સુમાર સુધી રૂમમાં કોઈ ચહલ પહલ ન થતા ગેસ્ટ હાઉસના સ્ટાફે પ્રથમ દરવાજો ખખડાવી અને બાદમાં દરવાજાને ધકકો મારતા દરવાજો ખૂલ્લો જ હતો. દરવાજો ખુલતાજ અંદરથી મૃત હાલતમાં આ યુવાન પડયો હોવાનું જણાતા આ અંગેની સઘળી વિગત ગેસ્ટ હાઉસ માલીકને જણાવી હતી.
ગેસ્ટ હાઉસ માલીકે તરત જ બી. ડીવીઝન પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ સહિત ડીવાયએસપી એમ.એસ. રાણા સહિતનો પોલીસ કાફલો પહોચી તપાસનો દોર સંભાળ્યો હતો સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ સીસીટીવી કેમેરા સહિત હાલ તપાસ ચલાવી મથામણ કરી રહી છે.
આ બનાવમાં ફરાર યુવતી જ બંધ બારણા પાછળનું રહસ્ય જાણતી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પ્રથમ આ યુવતીની ભાળ મેળવવા પોલીસ કાફલો હાલ તપાસમાં ગળાડુબ થયો છે. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા.
તેમજ આ ટોળામાં થતી ચચા મુજબ બસ સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસોમાં ગેસ્ટ હાઉસોના માલીકોની મીઠી નજર તળે અનેક પ્રકારના ગોરખધંધાઓ ચાલતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી આ વિસ્તારના ગેસ્ટહાઉસના માલીકો યુવક યુવતીની ખાત્રી પૂર્વક માહિતીઓ લઈ પછી જ તેમને પ્રવેશ આપે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.