૫૫ કિ.મી. લાંબો બ્રિજ રૂ.૧૩૩૫ અબજના ખર્ચે ૯ વર્ષે તૈયાર થયો: ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે બ્રિજને ખુલ્લો મૂક્યો: કાલથી વાહનોની અવર-જવર થશે
ચીનને હોંગકોંગથી જોડતા વિશ્ર્વના સૌથી લાંબા બ્રિજનું ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ૫૫ કિલોમીટર લાંબા બ્રિજને રૂ.૧૩૩૫ અબજના ખર્ચે ૯ વર્ષે તૈયાર કરવામાં આવ્યો છે. આજરોજ ઉદઘાટન બાદ આવતીકાલથી આ બ્રિજ પર વાહનોની અવર-જવર શરૂ થનાર છે.
હોંગકોંગથી મકાઉ તેમજ ચીનના ઝુહાઈ શહેરને જોડતા ૫૫ કિલોમીટર લાંબા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે. વિશ્ર્વના સૌથી લાંબા બ્રિજનો આજરોજ ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ ઉપરાંત ૭૦૦ જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજનું શી જીનપીંગે ઉદઘાટન કર્યું હતું. હવે આવતીકાલથી આ બ્રિજ પર વાહનોની અવર-જવર શરૂ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ ચીનની ગ્રેટર બે એરિયા યોજનાનો મુખ્ય ભાગ છે. ગ્રેટર બે એરિયા ચીનનો લગભગ ૫૬,૫૦૦ ચો.કિમી ક્ષેત્રને આવરી લે છે. આ ક્ષેત્રમાં ૬.૮ કરોડ લોકો રહે છે તેમાં હોંગકોંગ તેમજ મકાઉ સહિત ૧૧ શહેરોનો સમાવેશ થાય છે.