નીતિ, નેતા અને નિયત વિહોણી કોંગ્રેસથી કાર્યકર્તાઓથી લઈ મતદારો પણ નારાજ: જુથબંધીના કારણે ચૂંટાયેલા કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરાવી શકતા નથી: રામાણી

છેલ્લા ઘણા સમયથી ભાજપ તરફી ઝુકાવ ધરાવતા અને પક્ષના આદેશનો અનાદર કરતા શહેરના વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર નિતીનભાઈ રામાણીએ આજે કોંગ્રેસમાંથી સતાવાર રીતે રાજીનામું આપી દીધું છે. નીતિ, નેતા અને નિયત વિહોણી કોંગ્રેસથી કાર્યકર્તાથી લઈ મતદારો પણ નારાજ છે. પક્ષમાં આંતરીક જુથબંધીના કારણે ચુંટાયેલા કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો કરાવી શકતા નથી તેવા વસવસા સાથે આજે નિતીન રામાણીએ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતને પોતાના સમર્થકો સાથે રાજીનામું ધરી દેતા શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ કોંગ્રેસની વધુ એક વિકેટ ખડતા ભાજપની છાવણીમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. નિતીન રામાણી આગામી દિવસોમાં ઘરવાપસી કરે અથાત ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

વર્ષ ૨૦૧૫માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં.૧૩માંથી નિતીનભાઈ રામાણી કોંગ્રેસના પ્રતિક પરથી ચુંટાઈ આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસમાં ચાલતી આંતરિક જુથબંધીથી ભારે નારાજ હતા. આ અંગે તેઓએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પણ પત્ર લખ્યો હતો અને એવી જાણ કરી હતી કે જો કોંગ્રેસમાં જુથબંધી ચાલુ રહેશે તો નાછુટકે તેઓને કોંગ્રેસનો સાથ છોડવો પડશે. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં પણ છેલ્લા કેટલાક સમયથી નિતીન રામાણી કોંગ્રેસના આદેશનો અનાદર કરતા હતા જે માટે તેઓને હાઈકમાન્ડ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તાજેતરમાં તેઓને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદેથી પણ રાજીનામું આપી દેવા શહેર કોંગ્રેસ પ્રમુખે નોટિસ ફટકારી હતી. નિતીનભાઈ રામાણી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે.

દરમિયાન આજે શહેરના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નિતીનભાઈ રામાણીએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતને સુપ્રત કર્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, નીતિ, નેતા અને નિયત વિહોણી કોંગ્રેસથી કાર્યકર્તાથી લઈ મતદાર પણ નારાજ છે. પક્ષમાં જુથબંધીના કારણે ચુંટાયેલા કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરાવી શકતા નથી. અઢી વર્ષથી કોંગ્રેસ દ્વારા પ્રજાના કામોને જે રીતે વાંચા આપવી જોઈએ તે રીતે વાંચા આપવામાં આવી નથી જેના કારણે કોઈપણ પ્રશ્ર્ન હલ થતા નથી. સમગ્ર દેશમાં કોંગ્રેસ નેસ્ત નાબુદ થઈ રહી છે. વિધાનસભાની લઈ સરપંચની ચુંટણીમાં પણ કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે. તેનું મુળ કારણ કોંગ્રેસ હવે પ્રજાવિમુખ બની રહી છે. કોંગ્રેસ હંમેશા જ્ઞાતીવાદ અને જાતીવાદ કરે છે ત્યારે છેલ્લા અઢી વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે વોર્ડના વિકાસ કાર્યો થતા હોય તેવું લાગતું નથી. જયારે-જયારે મેં આ અંગે રજુઆત કરી છે ત્યારે મને નકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. કોંગ્રેસની આંતરીક જુથબંધીથી ત્રસ્ત થઈ સ્વૈચ્છિક રીતે હું કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપું છું.

કોંગ્રેસના સભ્યપદેથી આજે કોર્પોરેટર નિતીનભાઈ રામાણીની સાથે વોર્ડ નં.૧૩ના વિવિધ સમાજના અગ્રણીઓએ પણ રાજીનામાં ધરી દીધા હતા. આગામી દિવસોમાં તેઓ કોર્પોરેટરપદેથી પણ રાજીનામું આપી સતાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરે તેવી સંભાવના પણ જણાઈ રહી છે. જો તેઓ કોર્પોરેટરપદેથી રાજીનામું આપશે તો વોર્ડ નં.૧૩માં પેટાચુંટણી આવશે. છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસે પોતાના ૪ કોર્પોરેટરો ગુમાવ્યા છે જેમાં પ્રભાતભાઈ ડાંગરનું અવસાન થયું છે. જયારે ધર્મિષ્ઠાબા જાડેજા ગેરલાયક ઠર્યા છે. પરેશ હરસોડા પર ડિસ્કવોલીફાઈનું જોખમ ઝળુબી રહ્યું છે જયારે આજે કોર્પોરેટર નિતીન રામાણીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.