ટેકસ ચોરી, કાળા નાણાથી ખરીદાયેલી પ્રોપર્ટી ટાંચમાં લેવા માટે અડધી સદીથી ચાલતી ન્યાયીક જંગ
તારીખ તારીખ…
અડધી સદી જેટલો સમય વીતી ગયા છતાં કેન્દ્ર સરકાર કથીત રીતે કાળા નાણા અને ટેકસ ચોરીથી ખરીદવામાં આવેલી મિલકતો ટાંચમાં લેવા ઝઝુમી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કાળા નાણાથી કથીત રીતે ખરીદવામાં આવેલી મિલકતો જપ્ત કરવા અરજી કરી છે.
કેસની વિગતોનુસાર વલસાડના અબ્બાસ મોલા ફજલે અબ્બાસ અને તેના ભાઈ ઈસ્માઈલ મોલા પર કરચોરીનો આક્ષેપ કરાયો છે. તેમના ભાઈઓએ ૫૦ વર્ષ પહેલા કરચોરીના નાણાથી ખરીદેલી સંપતિ કેન્દ્ર સરકાર ટાંચમાં લેવા માંગતી હોવાની અરજી થઈ છે. આરોપીઓએ ૧૯૬૯ સુધી આઈટી રીટર્ન ભર્યા નહોતા તેવી દલીલ થઈ છે.
વર્ષ ૧૯૯૯માં સરકારે તેમની મિલકત ટાંચમાં લેવાની તૈયારી કરી હતી. જેની સામે અબ્બાસ ભાઈઓ કોર્ટમાં ગયા હતા. ત્યારે સરકારે દલીલ કરી હતી કે, જો તેઓ હિસાબ રાખી શકતા ન હોય તો તેઓ આંગણીયા પેઢી ચલાવતા હોવાની તેમની દલીલમાં કોઈ તથ્ય નથી.
આ કેસ ૨૦૦૯માં અદાલતે અરજી ફગાવી હતી અને નોંધ્યું હતું કે, સરકાર કાળા નાણાથી મિલકત ખરીદી થઈ હોવાનું સાબીત કરી શકી નથી. બન્ને ભાઈઓએ આઈટી રીટર્ન ભર્યા હોવાની વાત પર સરકારે ધ્યાન આપ્યું નથી. વર્ષ ૧૯૬૫ થી ૧૯૬૯ દરમિયાન તો સ્મગલર્સ એન્ડ ફોરેન એકસચેન્જ મેનીપ્યુલેટર્સ એકટ ન હતો. માટે સરકારની દલીલ ફગાવાઈ હતી. અલબત આ મામલે સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.
આ મામલે સરકાર ન્યાયતંત્રની તારીખ પે તારીખ અને પોતાની તપાસમાં કયાંક ચૂક થઈ હોવાની વાતમાં ફસાઈ ગઈ હોવાનું ફલીત થઈ રહ્યું છે.