મુમુક્ષોના માતા-પિતા દ્વારા પૂ.નમ્રમુનિના ચરણમાં દીક્ષા આજ્ઞા પત્ર અર્પણ
રાજકોટની બે દિકરીઓના પ્રભુના દરબારમાં મંગલ પ્રવેશના વધામણામાં ૮૦થી વધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિ: આગામી ૯ ડિસેમ્બરે મુમુક્ષોનું દીક્ષા મુહૂર્ત ઉદ્ઘોષિત કરતા રાષ્ટ્રસંત: દીક્ષા મહોત્સવના સંઘપતિ કાંતીભાઈ શેઠનું પાઘડી પહેરાવી સન્માન
સત્યનો પ્રકાશ પારીને અનેક અનેક આત્માઓને કલ્યાણના પંથ તરફ દોરી જઈ રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા.ના ચરણ-શરણમાં અનેક આત્માઓ જયારે સંયમની સાધના કરીને આત્મકલ્યાણ કરી રહ્યાં છે ત્યારે રાજકોટની ધરા પર રાજકોટની જ બે દીકરીઓને માતા-પિતાએ સહર્ષ દીક્ષા આજ્ઞા પત્રની અર્પણ કરતાં પ્રભુનાં દરબારમાં વધુ બે આત્માઓના મંગલ પ્રવેશના વધામણાં લેવાયાં હતાં.આ અવસરે ગોંડલ, સંઘાણી, અજરામર અને શ્રમણ સંઘ સંપ્રદાયના ૮૦ થી વધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્તિ રહેલ.
રાજકોટના કાંતિભાઈ લાધાભાઇ શેઠ પરિવારના હેતલબેન સંજયભાઈ શેઠની પુત્રી ઉપાસનાબેન શેઠ અને ડોલીબેન મનોજભાઈ ડેલીવાલાની પુત્રી આરાધનાબેન ડેલીવાલાના સંયમ ભાવોને અનુલક્ષીને આયોજિત કરવામાં આવેલાં દીક્ષા આજ્ઞા અર્પણ અવસરે દીર્ક્ષાથીઓના સંયમભાવની અનુમોદના કરતી ભવ્ય શોભાયાત્રા લાર્ભાથી શ્રી હસમુખભાઈ શાહના આંગણેથી પ્રારંભ થઈને ભાવિકો દ્વારા મુમુક્ષુઓના જયકાર સાથે વાજતે ગાજતે ડુંગર દરબારમાં પહોંચી હતી જ્યાં અત્યંત અહોભાવી મુમુક્ષુબેનોને માતા-પિતાએ હાથ જાલીને પ્રવેશ કરાવ્યો હતો.
આ અવસરે મુમુક્ષુઓના માતા-પિતાઓએ દીક્ષા આજ્ઞા અર્પણ પત્ર પર મંજુરીના હસ્તાક્ષર કરીને કુટુંબનાં વડીલોનાં આશીર્વાદ લઈને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં અત્યંત અહોભાવપૂર્વક રાષ્ટ્રસંત પૂજ્યનાં પાવન કરકમલમાં આજ્ઞા પત્ર અર્પણ કરતાં સર્વત્ર સંયમ ધર્મનો જયનાદ ગુંજી ઉઠ્યો હતો.
આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, આ જગતમાં દીકરીને સાસરે વળાવવા વાળા અનેકોની વચ્ચે દીકરીને સંયમ માર્ગે વ્હોરાવવાળા કોઈક જ હોય છે. દીકરીને સાસરે વળાવવા વાળાને હજી પણ દીકરી સુખી થશે કે દુ:ખી એની ચિંતા હોઈ શકે પરંતુ દીકરીને સંયમમાર્ગે વહોરાવવાળાને કદી કોઈ ચિંતા જ નથી હોતી કેમકે, આ સંસાર આખો એક કોલસા સમાન છે. ગરમ હોય તો દઝાડે અને ઠંડો હોય છતાં કર્મોથી આત્માને કાળો કર્યા વિના ન રહે. એમ સુખમાં કર્મ બંધાવે અને દુ:ખમાં દઝાડે એવો આ સંસાર છે.
સમગ્ર ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ૯૯.૯૪ ઙછ સાથે છઠા ક્રમાંકે આવનાર ૧૭ વર્ષીય મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાલાએ સંબંધોની અસારતા અને સંયમની ર્સાકતાના ભાવો વ્યક્ત કરતાં કહ્યું કે મને સમજાઈ ગયું આ દુનિયાની દરેક વસ્તુ, વ્યક્તિ અને સબંધો અશાશ્વત છે, માત્ર મારો આત્મા શાશ્વત છે.
મુમક્ષુ ઉપાસના દીદીએ એક શૌર્યતાના ભાવ સાથે રણટંકાર કરતા કહ્યું કે, આજે મારો આત્મા એક યોદ્ધાની જેમ અવગુણી સદગુણ, સદગુણી સાધક, સાધકી સંત અને સંતી સિદ્ધત્ત્વની યાત્રા માટે તત્પર બની રહ્યો છે. અતિ ધનાઢય પરિવારમાં જન્મ મળવાને કારણે માતા-પિતાએ કોઈ વસ્તુ આપવામાં બાકી ની રાખી, પરંતુ આજે આ સંયમ માર્ગે જવાની પણ આજ્ઞા આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે.
ઉપસ્તિ હજારોના સમુદાયના હૃદયની અત્યંત ઉત્કંઠા વચ્ચે આ અવસરે રાષ્ટ્રસંતે મુમુક્ષુ બેનો તેમજ તેમના માતા-પિતાની વિનંતિનો સ્વીકાર કરીને અત્યંત બ્રહ્મઘોષે મુમુક્ષુ આત્માઓનાં દીક્ષા મુહુર્ત આગામી તા.૦૯.૧૨.૨૦૧૮ને રવિવારનાં શુભ દિને ઉદ્દઘોષિત કરતાં હજારો ભાવિકોએ ગગનચુંબી જયનાદ ગજાવી દીધો હતો.
રાજકોટ સનકવાસી જૈન મોટા સંઘ તરફી ઈશ્વરભાઈ દોશી, ગોંડલ સંપ્રદાય તરફી પ્રવીણભાઈ કોઠારી તેમજ રોયલપાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાન્ત ભાઈ શેઠે મુમુક્ષુઓને સંયમ ભાવની શુભેચ્છા આપતું વક્તવ્ય આપ્યું હતું.
આ અવસરે રાજકોટ મહાવીર નગર સ. જૈન સંઘના પ્રમુખ કાંતિભાઈ લાધાભાઈ શેઠને સમગ્ર દીક્ષા મહોત્સવના સંઘપતિ જાહેર કરવામાં આવતાં ગૌરવવંતી પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ગોંડલ ગચ્છ શિરોમણિ પરમ દાર્શનિક પૂજ્ય જયંતિલાલજી મ.સા. તેમજ શાસન ચંદ્રિકા પૂજ્ય હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજીના જન્મદિન નિમિતે આ અવસરે એમને શુભેચ્છા આપીને અભિવંદના અર્પણ કરવામાં આવી હતી. મુમુક્ષુ બહેનોના કરકમલમાં પ્રથમવાર શુકનવંતા શ્રીફળ જીતુભાઇ બેનાણી, વાલ્કેશ્વર સંઘના મહેશભાઈ વોરા તેમજ ઇન્દોરના હિતેનભાઈ સંઘાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં..