ખેડૂતોની આવક બમણી કરવા તરફ સરકારનું વધુ એક પગલુ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયસ્તરે ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક મોદી સરકારે રાખ્યો છે જેને અનુલક્ષીને મોદી સરકારે કૃષિ ક્ષેત્રનું બજેટ પણ બમણું કર્યું છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ખેડૂતોને પેદાશોની યોગ્ય આવક તેમજ ઉત્પાદનોને ખરાબ થતા બચાવવા સહિતના પગલા ભરવા માટે સરકારે વિવિધ આયોજનો ઘડી કાઢયા છે.
૨૦૧૮-૧૯ના બજેટમાં ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચની તુલનાએ ૧૫૦ ટકા લઘુતમ ટેકાના ભાવ આપવાની કામગીરી પણ સરકારે હાથ ધરી છે. જેના પગલે ગઈકાલે રાજય સરકારે અનાજ અને મકાઈ સહિતના ઉત્પાદનોની ખરીદી બજાર ભાવ કરતા વધુ કિંમતથી કરવાનું શરૂ કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાહોદ ખાતેથી લઘુતમ ટેકાના ભાવથી ખેત પેદાશોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર કટીબધ્ધ છે. જેના અનુસંધાને માર્કેટ પ્રાઈઝ કરતા ખેત પેદાશોની આવક લઘુતમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ ભાવ માર્કેટ પ્રાઈઝ કરતા એકંદરે વધુ રહેશે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં લઘુતમ ટેકાના ભાવે ખરીદી ખેત પેદાશોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. એક જ દિવસ મકાઈ અને અનાજની ખરીદી શરૂ થઈ હતી. ભવિષ્યમાં લઘુતમ ટેકાના ભાવની ખરીદી સતત શરૂ રહે તે માટે યોગ્ય આયોજન ઘડી કઢાયા છે. ખેડૂતોને પોશણક્ષમ ભાવ મળી રહે તે માટે સિઝન દરમિયાન જ ખેત પેદાશોની ખરીદીનો લીધેલો નિર્ણય આવકારવો યોગ્ય છે.
મોટાભાગે સિઝન દરમિયાન ખેદ પેદાશોના ભાવ નીચા હોય છે. જેથી ખેડૂતોને તેમની પેદાશોની યોગ્ય રકમ મળતી નથી. વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવના માધ્યમથી આવકમાં વધારો કરવા સરકારે યોજના બનાવી છે. બીજી તરફ ખેત પેદાશોનો બગાડ અટકાવી આવકમાં વધારો કરવાની ગણતરી પણ સરકારની છે.
અહીં ઉલ્લેખનીય છે કે, લાખો ટન ખેદ પેદાશો યોગ્ય જાળવણી અને સંગ્રહના અભાવે બગડી જાય છે. પરિણામે ખેડૂતોને ખૂબ મોટું નુકશાન થતું હોય છે. માટે સરકાર આગામી સમયમાં કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનની સુવિધા વધારે તેવું ઈચ્છનીય છે. ખેત પેદાશો બજારમાં આવે તે પહેલા બગડતી હોવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જે પૈકી સૌથી મોટુ કારણ ઈન્ફાસ્ટ્રકચરની ઉણપ છે.
હાલ દેશમાં કૃષિ ઉત્પાદન સર્વોચ્ચ સ્તરે છે. ત્યારે ઉત્પાદનનું યોગ્ય વળતર ખેડૂતોને મળે તે માટે સરકારે કૃષિ નિતીઓની વ્યાપક સમીક્ષા કરી તબકકાવાર પગલા લેવાનું શરૂ કર્યું છે. ખેત પેદાશોની ખરીદી અને વેંચાણ માટે એક સીસ્ટમ બનાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવી હોય તો ખેડૂતોની આવકમાં વાર્ષિક ૧૦.૪૦ ટકાની વૃદ્ધિ થવી જરૂરી છે તો જ ૨૦૨૨ સુધીમાં આવક વધી શકે.
દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રએ છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વિકાસ દર હાંસલ કર્યો છે. પરંતુ દેશની જીડીપીમાં જેનો હિસ્સો ૧૭ થી ૧૮ ટકા જેટલો તોતીંગ છે તેના માટે હવે યોજના શરૂ કરાઈ છે. જે લાંબાગાળે અસરકારક નિવડશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.