સદનસીબે વનરાજનો જીવ બચી ગયો
ગીરમાં હાલ સિંહો ઉપર ઘાત વર્તાઈ રહી છે. ટપોટપ મોતને ભેટેલ સિંહો બાદ આજે મોત સામે ઝઝુમતા સિંહને બચાવી વનવિભાગે પ્રશંસનીય કામ સામે આવ્યું છે. અમરેલી જીલ્લાના ધારી તાલુકાના દેવળા ગામે આજે વહેલી સવારે એક પુખ્તવયનો નર સિંહ અકસ્માતે ૨૫ ફુટ ઉંડા કુવામાં ખાબકી જતા સિંહનો જીવ બચી જાય તે માટે થઈ ગામ લોકો દ્વારા તુરંત વન વિભાગને જાણ કરતા તંત્રના હોંશ ઉડી ગયા હતા. તુરંત ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ દેવળા આવી પહોંચી બનાવની સ્થિતિ જોઈ સિંહને સલામત બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરાઈ હતી. અંતે કલાકોની અથાગ મહેનત બાદ વનરાજને સલામત જીવિત બહાર કાઢવામાં આવતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વન વિભાગની આ સફળ કામગીરીમાં એસીએફ ચૌધરી, ફોરેસ્ટર ખુમાણ સહિત રેસ્કયુ ટીમે હાજર રહી સરાહનીય કામગીરી કરેલ જોકે ૨૫ ફુટ ઉંડા કુવામાં સિંહ ખાબકતા ઈજા થઈ છે પરંતુ સિંહનો જીવ બચી ગયો તે બાબત મહત્વની હતી.