નડતર દુર કરવાના બહાને બે યુવાનને ગઠીયાએ સોનાના દાગીના કોડીયામાં મુકી વિધી કરી ઘરે જઇ ખોલવાનું કહી કરી ઠગાઇ
માલવીયા ચોકમાં આવેલા પ્રમુખ સ્વામી આર્કેટમાં ઓફિસ ભાડે રાખી તાંત્રિક વિધીના બહાને ઠગાઇ કરતા બે પરપ્રાંતિય શખ્સોને પોલીસે ઝડપી પૂછપરછ કરતા તેને મોરબી રોડ પર આવેલા અક્ષરધામ સોસાયટી અને નવાગામના યુવાનને નડતર દુર કરવાના બહાને રૂ.૧૦.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણા નજર ચુકવી સેરવી લઇ ઠગાઇ કર્યાની કબૂલાત આપી છે. બંને શખ્સો સાથે અન્ય બે શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રમુખ સ્વામી આર્કેટમાં બીજા માળે ઓફિસ ભાડે રાખી ટીવી અને અખબાર જ્યોતિષ અંગેની જાહેર ખબર આપી લોકોને ખોટા ભ્રમ અને વહેમમાં નાખી સોનાના ઘરેણા પર તાંત્રિક વિધી કરી નડતર દુર કરવાના બહાને ઠગાઇ કરતા ઉત્તર પ્રદેશના આસિફ ઉર્ફે સોનુ મલ્લીક અને નદીમ અહેમદખાન નામના શખ્સોને એ ડિવિઝન પી.આઇ. એન.કે.જાડેજા, પી.એસ.આઇ. એસ.વી.સાખરા સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.
આસિફ ઉર્ફે સોનુ અને નદીમ અહેમદખાનની પૂછપરછ દરમિયાન તેઓએ જાકીર ઉર્ફે ગુજી મલિક અને જીબ્રાન નામના શખ્સોની મદદથી ટીવી અને અખબારમાં જયોતિષ અંગેની જાહેરાત આપી હતી. ટીવીમાં જાહેરાત જોઇને મોરબી રોડ પર આવેલા અક્ષરધામ સોસાયટીના રાજેશ કેશુભાઇ પાપરા અને નવાગામના જગદીશ ભનુભાઇ પીઠવા પ્રમુખ સ્વામી આર્કેટમાં ભાડાની ઓફિસમાં જોવડાવવા આવતા તેઓને નડતર હોવાનું કહી સોના પર તાંત્રિક વિધી કરવાથી નડતર દુર થાય તેમ હોવાનું જણાવતા રાજેશ પાપરા અને જગદીશ પીઠવા રૂ.૧૦.૫૦ લાખની કિંમતનું ૩૫૦ ગ્રામ સોનું લઇને પ્રમુખ સ્વામી આર્કેટમાં આવ્યા હતા.
રાજેશ પાપરા અને જગદીશ પીઠવાને સોનાના ઘરેણા કોડીયામાં મુકી દેવાનું જણાવતા બંનેએ સોનાના દાગીના કોડીયામાં રાખ્યા હતા. વિધી કર્યા બાદ બંનેને કોડીયા આપી ઘરે જઇ ખોલવા કહ્યું હોવાથી બંનેએ કોડીયા ઘરે જઇને ખોલતા તેમાં ખીલ્લી અને ઇમીટેશનના દાગીના નીકળ્યા હતા. ચારેય શખ્સોએ સોનાના ઘરેણા સાથેના કોડીયા બંનેની નજર ચુકવી સેરવી લીધાની કબુલાત આપી છે.
પોલીસે રાજેશ કેશુભાઇ પાપરાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે પુર્વ યોજીત કાવત રચી રૂ.૧૦.૫૦ લાખની ઠગાઇ કર્યાનો ગુનો નોંધી આસિફ ઉર્ફે સોનું મલિક અને નદીમ અહેમદખાનખાનની ધરપકડ કરી જાકીર ઉર્ફે ગુજી અને જીબ્રાન નામના શખ્સોની શોધખોળ હાથધરી છે.