નવલા નોરતાનાં બીજા દિવસે ખેલૈયાઓ અપાર ઉત્સાહ સાથે દેશભકિતનાં ગીતો પર ગરબે ઝુમ્યા: ખેલૈયાઓની મેદનીથી સમીયાણો ટુંકો પડયો
ડેન્યૂબ પ્રોપર્ટીસ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં નોરતાના બીજા દિવસે ગરબા સાથે દેશભકિતનો રંગ ઘુંટાયો હતો. ખેલૈયાઓ અપાર ઉત્સાહ સાથે દેશભકિતનાં ગીતો પર મન મુકીને ગરબે ઝુમ્યા હતા. આ તકે ખેલૈયાઓની મેદનીથી સમીયાણો પણ ટુંકો પડયો હતો.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ડેન્યુબ પ્રોપર્ટીસ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેના નવલા નોરતાનાં બીજા દિવસે ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો)એ રમઝટ બોલાવી હતી. પ્રથમ રાઉન્ડમાં દેવરાજભાઈ ગઢવીનાં સંગાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમ્યા હતા. બાદમાં બીજા રાઉન્ડમાં દેવરાજભાઈ ગઢવી સાથે રઉફ હાજી, વંદનાબેન ગઢવી અને હીનાબેન હિરાણીએ ખેલૈયાઓને ઝુમાવ્યા હતા. કલાકારોએ પોતાના અલગ અંદાજથી દેશભકિતનાં ગીતો રજુ કર્યા હતા ત્યારે ખેલૈયાઓ બમણા ઉત્સાહથી દેશભકિતના ગીતો પર ગરબે રમ્યા હતા. ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલા અનેક તિરંગાથી રાસોત્સવમાં દેશભકિતનો રંગ ઘુંટાયો હતો. બીજા નોરતે ખેલૈયાઓની મેદનીથી સમીયાણો પણ ટુંકો પડયો હતો.