લાપીનોઝ, સેન્ટોસા, પ્લેટીનમ, સરોવર પોર્ટીકો, પીઝા કેસલ અને સ્મિત કિચનમાં આરોગ્ય શાખાના દરોડા
કમિશનરના આદેશ બાદ આરોગ્ય શાખાની ટીમ ત્રાટકી: નામી હોટલ-રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યો ૭૫૮ કિલો વાસી ખોરાક: નોટિસ
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં કિચન વેસ્ટનો નિકાલ એસડબલ્યુએમના રૂલ્સ મુજબ કરવામાં આવે છે કે કેમ ? તે અંગે ચેકિંગ હાથ ધરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આપેલા આદેશ બાદ આજે આરોગ્ય શાખાની ટીમો દ્વારા શહેરની નામાંકિત ૬ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મળી આવેલો ૭૫૮ કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી તમામને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરની અલગ-અલગ ૬ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. રામકૃષ્ણ મેઈન રોડ પર કમિશનર બંગલાની સામે પ્રફુલભાઈ કટારીયા અને શશીભાઈ દલસાણીયાની લાપીનોઝ પીઝા, યુનિવર્સિટી રોડ પર સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટ, જવાહર રોડ પર જયુબેલી ચોકમાં પ્લેટીનિયમ હોટલ યુનિટ ઓફ શિવાલી ઈરેકશન પ્રા.લી., શાસ્ત્રી મેદાન સામે લીમડા ચોકમાં મરાસા હોસ્પિટાલીટી પ્રા.લી.ની હોટલ સરોવર પોર્ટીકો, કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક આરાધના કોમ્પ્લેક્ષમાં આવેલી પ્રફુલભાઈ સાહોલીયા, ગુંજનભાઈ જોશી અને કમલેશભાઈ ગોસ્વામીની પીઝા કેસલ અને મોટી ટાંકી ચોકમાં સ્મિત કિચનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૭૫૮ કિલો જેટલી વાસી સામગ્રી મળી આવી હતી. લાપીનોઝ પીઝામાં મેંદાના લોટમાં ધનેડા જોવા મળ્યા હતા. જયારે સેન્ટોસા રેસ્ટોરન્ટમાં વાસી રાંધેલો ખોરાક મળી આવ્યો હતો. પ્લેટીનીયમ હોટલમાં રાંધેલા ખોરાકના સંગ્રહ વખતે ખોટુ નોટીંગ કરવામાં આવતું હોવાનું માલુમ પડતા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સરોવર પોર્ટીકોમાંથી પણ પનીર, ચટણી, ગ્રેવી સહિતનો વાસી ખોરાક મળી આવ્યો હતો. પીઝા કેસલમાંથી પણ પીઝા રોલ, પીઝાના રોટલા, નુડલ્સ સહિતનો વાસી ખોરાક મળી આવ્યો હતો જેનો નાશ કરાયો છે.