ઉપલેટા તાલુકાના ૫૨ ગામડામાં ઓણ સાલ ઓછા વરસાદને કારણે ખેડુતોનો મુખ્ય પાક મોટાભાગનો નિષ્ફળ ગયેલ છે ત્યારે રાજય સરકાર અને વિમા કંપની દ્વારા ખેડુતોને મળતો વિમાનું ક્રોપ કટીંગની કાર્યવાહી ખાનગી વિમા કંપની દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તે ભેદભાવવાળી બની રહે તેવી હોય આ ખેડુતના મુખ્ય મુદાને ધ્યાનમાં ધારાસભ્ય લલીત વસોયા દ્વારા ગઈકાલે ખેડુતો સાથે અર્ધનગ્ન હાલતમાં વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું.
ગઈકાલે તાલુકાના ૫૨ ગામડાઓને ખેડુતો સહકારી મંડળીઓના આગેવાનો તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થયેલ અને ખેડુતોના પાક વિમો ન મળે તે માટે રાજય સરકાર અને ખાનગી વિમા કંપની દ્વારા ક્રોપ કટીંગમાં ભયંકર ગેરરીતિ આચરી રહ્યા હોવાના મોટાભાગના ખેડુતો ધારાસભ્ય લલીત વસોયા સામે રોષ ઠાલવતા ધારાસભ્ય લલીત વસોયા વિમા કંપનીને રજુઆત કરેલ પણ તેનો યોગ્ય સંતોષકારક જવાબ નહીં મળતા ધારાસભ્ય લલીત વસોયા વિફર્યા હતા અને ખેડુતો અને તેના ટેકેદારો સાથે અર્ધનગ્ન હાલતમાં શહેરના મુખ્ય માર્ગ રેલી સ્વરૂપે ફરી ખેડુત આપઘાત કરે એ પહેલા સરકાર જાગે, ક્રોપ કટીંગ યોગ્ય રીતે કરો, ખેડુત પાયમાલ વિમા કંપની માલ-માલના નારા લગાવી. આ રેલી મામલતદાર કચેરી પહોંચી ત્યાં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું.
આ આવેદન આપતી વખતે ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે, ખેડુતો પોતાનો પાક આકાશી રોજીરોટી ઉપર નિર્ભય હોય છે ત્યારે વેપારીઓની જેમ ખેડુતો પણ પોતાના ધંધા (ખેતીની ઉપજ)માં નુકસાનીનો વિમો ઉતારતા હોય છે ત્યારે ગુજરાત અને કેન્દ્રની ભાજપની સરકારે ખેડુતોના પાક વિમા નિયમોમાં ખાનગી કંપનીની મનમાની મુજબ મોટા સુધારા વધારા કરી ખેડુતોને પોતાનો નિષ્ફળ ગયેલ પાકનો વિમો ન મળે તેવી ગોઠવણ કરી આપવામાં આવી છે. તેમાં રાજયના તમામ તાલુકામાં મુખ્ય પાક અને ગૌણ પાક બનાવવામાં આવે છે તેમાં રાજયના તમામ તાલુકામાં મુખ્ય પાક કપાસ અને મગફળી ગણવામાં આવેલ જયારે ઉપલેટા એક એવો તાલુકો છે જેમાં મુખ્ય પાક ઘઉંને દર્શાવવામાં આવ્યો છે તે વિમા કંપનીની ભયંકર ગેરરીતિ છે. મોટાભાગે ઘઉંના પાક ગુજરાતમાં શિયાળામાં રવિ પાક ગણવામાં આવે છે.
ઉપલેટામાં ચોમાસામાં મુખ્ય પાક મગફળી અને કપાસને બદલે ઘઉં ગણી વિમા કંપની દ્વારા ખેડુતોને વિમાથી વંચિત રાખવામાં ભયંકર પ્રયાસ કરેલ છે. સરકાર અને વિમા કંપનીના નિયમ મુજબ ક્રોપ કટીંગમાં દરેક તાલુકામાં ૧૦ ગામોની પસંદગી થાય છે તેમાં ૨૦ સર્વે નંબરો પસંદ કરવામાં આવે છે આમાં પણ વિમા કંપનીએ ખેડુતોને મગફળીનો વિમો ન ચુકવવો પડે તે માટે જે દશ ગામોની પસંદગી કરવામાં આવી છે. તે દસે-દસ ગામ ભાદરના કમાન્ડર એરિયામાં આવતા પાણીવારા ગામો છે અને ૨૦ સર્વ નંબર પસંદ કરવામાં આવ્યા છે તેમાં ૧૯ સર્વ નંબરો પાણીવાસ પસંદ કરવામાં આવ્યા છે. આના કારણે ઉપલેટા તાલુકાના એક પણ ખેડુતોને મગફળીમાં પાકવિમો મળી ન શકે.
વધુમાં લલીત વસોયાએ જણાવેલ કે આજે ભાયુભાગે જમીનની વહેંચણી થતા એક સર્વે નંબરમાં આઠ થી દસ જેટલા ટુકડા જમીન થઈ ગયા છે. તેમાં એક જ સર્વે નંબરમાં ઘણાને કુવા કે બોર ન હોય તેને ચોમાસા આધારીત પાક હોય પણ વિમા કંપની સર્વે નંબરની પસંદગીને કારણે ખેડુતો વિમાથી વંચિત રહી શકે છે. આમ ધોરાજી-ઉપલેટાના આખા તાલુકામાં ખાનગી કંપની પોતાની મનમાની કરીને ખેડુતોને પોતાના હકમાં વિમો ન મળે તેવી વ્યવસ્થિત ગોઠવણ કરી વિમા કંપની પોતે ખેડુતોને પાયમાલ કરી વિમા કંપની માલામાલ થઈ જવાના જે સ્વપ્ન જુવે છે તે કોઈ કાલે ખેડુતો અને તેના પ્રતિનિધિ તરીકે હું ચલાવી નહીં લવ. જો આગામી દિવસોમાં ખાનગી કંપની યોગ્ય કાર્યવાહી નહીં કરે અને રાજય સરકાર યોગ્ય અને હયાત નહીં આવે પો ખેડુતો પોતાના બાલ બચ્ચા ઢોર ધાખર સાથે રસ્તા ઉપર આવી જશે તેની તમામ જવાબદારી રાજય સરકારની રહેશે.
આજના કાર્યક્રમમાં ધારાસભ્ય લલીત વસોયા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, સ્કુલ બોર્ડના ચેરમેન રમણીકભાઈ લાડાણી, ઉપપ્રમુખ નસીમાબેન સુમરા, કારોબારી ચેરમેન નવીનભાઈ દલસાણીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ ચૌહાણ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ મકવાણા, ગઢાળાના સરપંચ નારણભાઈ નવાપરાના અશોકભાઈ મકવાણા, કથરોટાના રામશીભાઈ વામરોટીયા, ચીખલીયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગાણોદના મજબુતભાઈ હુંબલ, વાડલાના મેગાભાઈ ખીમોરીયા, કલારિયાના અબ્બાભાઈ ખંભર, જીલ્લા કોંગ્રેસ માઈનોરીટીના ચેરમેન યાસિનભાઈ ડેડા, સુધરાઈ સભ્યો હાજીભાઈ શિવાણી, રજાકભાઈ હિંગોરા, બોદુભાઈ શેખ, રઘુવીરસિંહ સરવૈયા, ભાસ્કરભાઈ, જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જયદેવસિંહ વાળા, પુજાભાઈ સોલંકી, જીલ્લા પંચાયતના સોમાભાઈ મકવાણા સહિત તાલુકાભરના ખેડુતો વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા.
જો હું ખોટો સાબિત થાવ તો રાજીનામું આપુ નહિતર ‚પાણી રાજીનામું આપે: લલીત વસોયાનો પડકાર
ગઈકાલે વિશાળ ખેડુતો અર્ધનગ્ન હાલતમાં નિકળેલી વિશાળ રેલીમાં સ્થાનિક પત્રકારો સમક્ષ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે ખેડુતોનો પાકવિમો અને ક્રોપકટીંગમાં થતી ગેરરીતિ સાબિત કરવા તૈયાર છું જો હું સાબિત ન કરી શકુ તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દવ અને વિમા કંપનીની ગેરરીતિ સાબિત થાય તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપી વિમા કંપનીને બ્લેક લિસ્ટમાં મુકવી તેવો ખુલ્લો પડકાર લલિત વસોયાએ આપ્યો હતો.
પોલીસના હવાતિયાનું સુરસુરીયું થઈ ગયું
ગઈકાલે ખેડુતોના પાક વિમા પ્રશ્ર્ને ધારાસભ્ય લલીત વસોયા દ્વારા કાઢવામાં આવેલ અર્ધનગ્ન હાલતમાં રેલી દરમ્યાન આવેદનપત્ર સુપ્રત બાદ ધારાસભ્ય લલીત વસોયાની મામલતદાર કચેરીએથી અટકાયત કરી પોલીસ વાનમાં પોલીસ મથકે લવાયા હતા. જયારે ધારાસભ્યને બેસાડી તેની સામે ગુનો નોંધવા તજવીજ કરેલ પણ વિધાનસભાની મંજુરી અનિવાર્ય હોય પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. આખરે ધારાસભ્ય સામે ગુનો નોંધવાની પોલીસ કાર્યવાહીનું સુરસુરીયું થઈ ગયું હતું.