અમદાવાદમાં કમ્પ્યુટર સ્કેનરની મદદથી જાલીનોટ તૈયાર કર્યાની કબુલાત: રૂ.૩ લાખની વધુ જાલીનોટ અને કમ્પ્યુટર સહિતના સાધનો કબ્જે
દેશના અર્થતંત્રને ખોખલા કરવાના ખૌફનાક કૌભાંડનો રૂરલ પોલીસે બે દિવસ પહેલાં પર્દાફાસ કરી ધોરાજીના છાડવાવદર ગામેથી રૂ.૭૪ હજારની જાલીનોટ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા બાદ એસઓજીએ સ્ટાફે પાંચેય શખ્સોને રિમાન્ડ પર મેળવી જાલીનોટના કૌભાંડ સુધી પહોચવા કરાયેલી પૂછપરછમાં જાલીનોટ અમદાવાદના હિમાન્શુ અને અમરીશ નામના શખ્સો પાસેથી લાવ્યાનું બહાર આવતા એસઓજી સ્ટાફે બંને શખ્સોને રૂ.૩ લાખની જાલીનોટ સાથે ધરપકડ કરી છે. અમદાવાદથી જાલીનોટ લાવનાર ધોરાજીના અન્ય ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
ધોરાજી તાલુકાના છાડવાવદર ગામની ગૌશાળા પાસેથી બે દિવસ પહેલાં જતીન રસિક વાઘેલા, સાગર ઉર્ફે નુરી નાગજી પરમાર, વિમલ બીપીન સોલંકી, સંજય પુના ચૌહાણ અને ચિંતન ભરત રાવલ નામના શખ્સોને તા.૮મીએ રૂ.૭૪ હજારની જાલીનોટ સાથે એલ.સી.બી. સ્ટાફે ધરપકડ કર્યા બાદ જાલીનોટના કૌભાંડના મુળ સુધી પહોચવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ તપાસ એસઓજી સ્ટાફને સોપી હતી.
એસઓજી પી.આઇ. એમ.એન.રાણાએ પાંચેય શખ્સોને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતા જાલીનોટ અમદાવાદના સી.જી.રોડ પર રૂપા એપાર્ટમેન્ટમાં રહેતા હિમાન્શુ કિર્તી ઝવેરી અને અમરીશ અરવિંદ આસોદરીયા પાસેથી લાવ્યા હોવાની કબુલાત આપતા પી.એસ.આઇ. વાય.બી.રાણા, ધમેન્દ્રભાઇ ચાવડા, સંજયભાઇ નિરંજની, બ્રિજરાજસિંહ જાડેજા અને રણજીતભાઇ ધાધલ સહિતના સ્ટાફને તપાસ અર્થે અમદાવાદ મોકલ્યા હતા.
એસઓજી સ્ટાફે અમદાવાદ ખાતે દરોડો પાડી હિમાન્શુ કિર્તી ઝવેરી અને મુળ ભાવનગરના ગારીયાધારના વતની અમરીશ અરવિંદ આસોદરી નામના શખ્સોને રૂ.૩ લાખની જાલીનોટ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા અમરીશ આસોદરીયા ફોટો ગ્રાફર છે અને તે કમ્પ્યુટરનો જાણકાર હોવાથી રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ના દરની જાલીનોટ સ્કેનરની મદદથી તૈયાર કર્યા બાદ હિમાન્શુને બજારમાં ઘુસાડવા આપતો હોવાનું અને હિંમાન્શુ આ પહેલાં પણ જાલીનોટના ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને શખ્સો પાસેથી કમ્પ્યુટર, સ્નેકર, પિન્ટર, મોનિટર, કટ્ટર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
હિમાન્શુ અને અમરીશ પાસેથી જાલીનોટ ખરીદનાર સુપેડીના હાર્દિક અતુલ ઘેટીયા, કિશન રતિ ચનિયારા અને છોડવાદરના ભરત રાયધન હેરભા નામના શખ્સોની સંડોવણી બહાર આવતા એસઓજી સ્ટાફે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. જાલીનોટ કૌભાંડમાં ધરપકડ આંક દસ પર પહોચ્યો છે. બંને મુખ્ય સુત્રધાર હિમાન્શુ અને અમરીશ જાલીનોટ કેટલા સમયથી બનાવતા અને અન્ય કયા વટાવી છે તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
એસઓજીએ પંદર દિવસમાં જ ચરસ બાદ જાલીનોટ કૌભાંડનો કર્યો પર્દાફાશ
રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બલરામ મીણાએ ચાર્જ સંભાળ્યા બાદ એસઓજીમાં ધરખમ ફેરફાર કરી પી.આઇ. તરીકે એમ.એન. રાણા અને પી.એસ.આઇ. તરીકે વાય.બી.રાણાની નિમણુંક કરતા પંદર જ દિવસમાં એસ.ઓ.જી.સ્ટાફે જેતપુર ખાતેથી રૂ.૬ લાખની કિંમતના ચરસનો જથ્થો ઝડપી લીધા બાદ જાલીનોટ કૌભાંડના મુળ સુધી પહોચી મુખ્ય સુત્રધાર હિમાન્શુ ઝવેરી અને અમરીશ આસોદરીયા નામના શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.