જેતપુર, મોડપર અને દેરડીના આઠ શખ્સો સામે નોંધાતો ગુનો
જેતપુરના દેરડી ધાર આવાસ યોજનાના કવાર્ટરમાં મકાન ભાડે આપવાના પ્રશ્ને બે મહિલા વચ્ચે થયેલી બોલાચાલીના કારણે જેતપુર, મોડપર અને દેરડીના આઠ જેટલા શખ્સોએ તલવાર, ધોકા અને પાઇપથી ચાર યુવાન પર હુમલો કરી બાઇકમાં તોડફોડ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા પ્રવિણભાઇ રાણવાની પત્ની અને પપ્પુ અશેષ ગોહેલના મામી વચ્ચે મકાન ભાડે આપવાના પ્રશ્ર્ને ઝઘડો થયો હોવાતી પપ્પુ અશેષ ગોહેલ, નિતિન મકવાણા, નિલેશ છગન, સંજય મનજી ધરજીયા, શકી હરસુખ પરેચા, કિરીટ બાડો, પ્રતાપ મેર, ભરત કોરાટ નામના શખ્સોએ તલવાર, ધોકા અને પાઇપથી પ્રવિણભાઇ રાણવા અને નરેશભાઇ પર હુમલો કર્યો હતો.
આઠેય શખ્સોએ પ્રવિણભાઇ અને નરેશભાઇ પર હુમલો કર્યા બાદ જેતપુરના ભોજાધાર ચોકમાં મનોજભાઇ ઉર્ફે મનુભાઇ દિલીપભાઇ પરમાર અને ધર્મેશભાઇ પર હુમલો કરી તેના બાઇકમાં તોડફોડ કર્યા ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઠેય શખ્સો સામે અલગ અલગ બે ગુના નોંધી શોધખોળ હાથધરી છે.