પ્રચાર સમયે અમને મોટા મોટા વચનો આપવાની સલાહ અપાઈ હતી અત્યારે લોકો તે વચનોની યાદ અપાવે છે: ત્યારે અમે આવી વાતો ઉપર હસી કાઢતા હતા: લોકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરાવવાના વચન મુદે નીતિન ગડકરીનો ખુલાસો
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર દરમિયાન નરેન્દ્ર મોદીએ લોકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરાવવાનું વચન આપ્યું હતુ. આ મામલે અવાર નવાર આક્ષેપબાજી થઈ હતી ત્યારે રૂ.૧૫ લાખના વચન અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો છે.
મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, અમે સત્તા ઉપર આવશું તેવો વિશ્વાસ જ નહોતો. જેથી અમને મોટા વચનોની લ્હાણી કરવાનું સુચન કરવામાં આવ્યું હતુ હવે જયારે અમે સતામા છીએ ત્યારે લોકો અમને તે વચનો યાદ કરાવે છે. થોડા સમય પહેલા એક મરાઠી ચેનલમાં ગડકરીનો આ ઈન્ટરવ્યૂહ પ્રસારીત થયો હતો.
જેમાં ભાજપએ અવાસ્વીક વચનો આપી ચૂંટણી જીતી હોવાનું ગડકરી કહી રહ્યા હતા. આ ઈન્ટરવ્યૂંહ બાદ કોંગ્રેસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. અને ટવીટર ઉપર ગડકરીનો આ વિડિયો મુકયો હતો. ભાજપ સરકાર ખોટા વચનોના આધારે બની હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
ગડકરીનો આ વિડિયો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટવીટર ઉપર શેર કર્યો છે. અને લખ્યું છે કે, તમે (ગડકરી) સાચા છો ! હવે તો લોકો પણ વિચારવા લાગ્યા છે કે સરકારે તેમનો ઉપયોગ પક્ષની જરૂરીયાત સંતોષવા માટે કર્યો છે.
ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીના ઈન્યરવ્યૂહ બાદ આક્ષેપ બાજી શરૂ થઈ ચૂકી છે. અગાઉ પણ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરાવવા આપેલા વચન લોકોની ટીખળનો ભોગ બની ચૂકયા છે.
૩૦ વર્ષે પણ બોફોર્સ ધુણે છે: ૧૪ વર્ષના ‘વનવાસ’ બાદ બોફોર્સ ફરી મેદાને
બહુચર્ચિત બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી વખત ધૂણી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ આરોપીઓ વિધ્ધ તપાસ આરોપો રદ કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને વડી અદાલતમાં પડકાર્યો છે. ૬૪ કરોડની કટકીનો આ કેસ રાજકીય દ્રષ્ટીએ ઘણો સંવેદનશીલ છે.
અગાઉની કોંગ્રેસ સરકારે દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા સામે અપીલ ન કરવાનો આદેશ આપ્યો હોવાથી અત્યાર સુધી આ મુદો દબાવી રખાયો હતો. તેવું સીબીઆઈના સુત્રોનું કહેવું છે અહી ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે બોફોર્સ મામલે પોતાના નિર્ણયમાં ઉદ્યોગપતિ હિન્દુજા બ્રધર્સ અને બોફોર્સ કેસની વિરૂધ્ધના તમામ આરોપો રદ કરી દીધા હતા. હવે વર્ષો બાદ આ મુદો ફરી સળગશે. અત્યારે એનડીએ સરકાર સામે રફાલ લડાકુ વિમાન અંગે થયેલા આક્ષેપો બાદ હવે બોફોર્સનો મુદો સળગાવવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.