રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ.સખીયાએ જણાવ્યું હતું કે, ખેડુત અગ્રણી, સાંસદ પોરબંદર તથા વાઈસ ચેરમેન ઈફકો, ડાયરેકટર ગુજકોમાસોલ, વિઠ્ઠલભાઈ રાદડિયાના સુદ્રઢ વહિવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના કુશળ વહિવટના કારણે આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત ક્ષેત્રે અવિરત પ્રગતિ કરેલ છે.
હાલ બેંકની ૧૯૧ શાખાઓ પૈકી ૧૨૫ શાખાઓ નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડુતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ બેકીંગ સેવાઓ મળી રહે તે બાબતે રાજકોટ જીલ્લામાં પડધરી તાલુકાના ઉકરડા ગામે નવી શાખા ખોલવા નાબાર્ડ તરફથી મંજુરી મળતા ઉકરડા મુકામે બેંકની નવી શાખાનું લોકાર્પણ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ હતું. બેંકની નવી શાખાના ઉદઘાટન સાથે સાથે આ બેંક તરફથી નાણાકીય સાક્ષરતાની કામગીરી માટે ખરીદેલ મોબાઈલ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવેલ હતું.
આ મોબાઈલ વાન મારફત બેંકના કાર્યક્ષેત્રમાં આવતા છેવાડાના માનવીઓમાં નાણાકીય સાક્ષરતા લાવવા પ્રયત્નો કરવામાં આવશે. આ કાર્યક્રમની સાથે સાથે ખેડુતોને આધુનિક ખેતી માટે ખેડ-ખાતર અને પાણી બાબતે નિષ્ણાંતો દ્વારા જરી માર્ગદર્શન મળી રહે તે માટે પાક શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ હતું. તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ તથા નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ મળેલ છે.