સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ઠલવાતા નર્મદાના નીર
અપુરતા વરસાદના કારણે રાજકોટવાસીઓએ ઉનાળાના દિવસોમાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવાની માંગણીને સ્વિકારી છે. છેલ્લા ૨૦ દિવસથી આજીડેમમાં નર્મદાના નીર ઠલવાઈ રહ્યા હોય આજીડેમની સપાટી ૨૧.૩૦ ફુટે પહોંચી ગઈ છે અને ડેમમાં ૪૮૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદના કારણે આજી ડેમમાં પાણીની સંતોષકારક આવક થવા પામી ન હતી. સપ્ટેમ્બર માસમાં ડેમમાં રાજકોટને માત્ર બે માસ ચાલે તેટલો જ જળજથ્થો સંગ્રહિત હોવાના કારણે રાજકોટવાસીઓ પર જળસંકટના વાદળો ઘેરાયા હતા. આવામાં મહાપાલિકા દ્વારા રાજય સરકાર સમક્ષ એવી માંગણી કરવામાં આવી હતી કે, આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવે જેનો સરકાર દ્વારા તત્કાલ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
છેલ્લા ૨૦ દિવસથી આજીડેમમાં નર્મદાના નીર ઠલવાઈ રહ્યા છે. ૨૯ ફુટે ઓવરફલો થતા આજીડેમની સપાટી આજે ૨૧.૩૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૪૮૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે જયારે ડેમમાં નર્મદાના નીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે તેમની સપાટી માત્ર ૧૪ ફુટ જ હતી અને ૨૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત હતું. ડેમમાં હજી નર્મદાના નીર ઠાલવવાનું ચાલુ રાખવામાં આવશે.