લોકશાહી લોક જાગરણની ગાંધીજીના વિચારો સાથે પોરબંદરમાં કીર્તી મંદીરેથી શરુ થયેલી સાયકલ યાત્રા રાજકોટ ક.બા. ગાંધીના ડેલા ખાતે પહોંચી હતી. અને સાયકલ યાત્રાનું સમાપન કરાયું હતું. સમાપન સમારંભમાં ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ અને દેવેન્દ્રભાઇ દેસાઇના હસ્તે ૬૦ યાત્રા કલાયાત્રિકોનું સન્માન અને શિલ્ડ એનાયત કરાયા હતા.
સમાપન કાર્યક્રમ એન્જીનીયરીંગ એસો. હોલ ખાતે યોજાયો હતો. જેમાં ઇન્દ્રનીલ રાજયગુરુ, દેવેન્દ્રભાઇ દેસાઇ, વશરામભાઇ સાગઠીયા, મિતુલ દોંગા, જેન્તીભાઇ કાલરીયા, રાજભા ઝાલા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાયકલ યાત્રિકોએ પોત પોતાના સાયકલ યાત્રાના સુખદ અનુભવનું વર્ણન કર્યુ હતું. યાત્રા યાદગાર બની રહેશે અને ગાંધી વિચારોને વધુને વધુ ફેલાવો કરવાની તક મળશે તો ફરી એક વખત યાત્રામાં જોડાવવા સહમતી દર્શાવી હતી.
આ પ્રસંગે દેવેન્દ્રભાઇ દેસાઇએ કહ્યું હતું કે ગાંધીજીના સત્ય અહિંસાના માર્ગે સ્વરાજય મળ્યું હતું. ખાદી ઉઘોગને લોકોએ સ્વીકારવો જોઇએ. ખાદી કપડાની ખરીદી થવી જોઇએ ખાદી ઉઘોગ થકી લાખો લોકોને રોજગારી મળી રહે છે. ઇન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું હતું કે ગાંધીજી વિરલ વ્યકિતત્વ છે.
ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારવા જોઇએ. સત્યના માર્ગે ચાલવુ જોઇએ. ગાંધીજીએ લોકશાહીનો મજબુત પાયો નાખ્યો છે. દેશને આઝાદી અપાવી છે. ત્યારે લોકશાહીનું જતન કરવુું સિંચન કરવું અને ગાંધીજીના વિચારોને વધુ મજબુત બનાવવા લોકોએ પ્રયત્ન કરવા જોઇએ.
સાયકલ યાત્રામાં પોરબંદરથી લઇ રાણાકંડોરણા, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, નવાગઢ, કાગવડ, ગોંડલ, સુપેડી, દુમીયાણી, ગણોદ, રીબડા, વીરપુર સહીતના ગામે ગામ સુધી સાયકલ યાત્રામાં જોડાયેલા ૬૦ યાત્રિકોનું શિલ્ડ પ્રમાણપત્ર આપી તમામનું સન્માન કરાયું હતું.