વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતના વિકાસ માટે આવતા લોકોને રોકવા પરપ્રાંતિયોને લગતું ભુત ધુણ્યું
વિકાસથી વિનાશ તરફ…
ભૂતકાળમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રમેલું ગંદુ રાજકારણ ગુજરાત સુધી પહોચ્યું
પરપ્રાંતીયો ઉપર થઈ રહેલા હુમલા પાછળ ગુજરાતનાં વિકાસને રુંધવાના હિન પ્રયાસો થઈ રહ્યા હોવાની લૂ આવી રહી છે.મુંબઈની જેમ ગુજરાતનાં વિકાસનો પાયો પણ ઉદ્યોગો છે.ઉદ્યોગીક ક્ષેત્રમાં પરસેવો પાડી પૈસા કમાતા પરપ્રાંતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમા આવી ઘટનાઓ મુંબઈમાં પણ બની ચૂકી છે. જોકે આવી ઘટનાઓને અંજામ આપનાર રાજકીય પક્ષો તરફ આજે કોઈ જોવા પણ તૈયાર નથી. સમાજ કયારેય પ્રાંત કે ભાષાવાદને સ્વીકારતો નથી.
ગુજરાતી પ્રજા શાંતિપ્રીય છે. ગુજરાતમાં શાંતિ છે સ્ટેબલ આર્થિક વિકાસ ગુજરાતમાં થઈ શકે છે.જેથી દર વર્ષે અન્ય રાજયોમાંથી અનેક લોકો ગુજરાતમાં રોજીરોટી કમાવા, પોતાનો વિકાસ કરવા આવી પહોચે છે. આ લોકો ગુજરાતનાં ઉદ્યોગોમાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે પરપ્રાંતીયોને ટાર્ગેટ બનાવી ગુજરાતના વિકાસને રુંધવાના પ્રયાસ થયો હોવાનું જણાઈ આવે છે.
આંકડા અનુસાર હિંસાથી ગભરાયેલા ૫૦ હજારથી વધુ પરપ્રાંતીયોએ ગુજરાત છોડીદીધું છે. નોર્થ ગુજરાતમાં હિંસાની ઘટનાઓ સૌથી વધુ પ્રમાણમાં બની છે. અલબત, તેની અસર મોરબી, જામનગર, કચ્છ અને સુરતના ઔદ્યોગીક ક્ષેત્રને પણ થઈ છે. ગુજરાતમાં ઔદ્યોગીક એકમોમાં કામ કરતા ૧ કરોડ કામદારો છે જેમાં ૭૦ ટકા પરપ્રાંતયો છે.
મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પરપ્રાંતીયોને ખદેડવાના પ્રયાસો ભૂતકાળમાં થયા હતા. ત્યારે ઠેર ઠેરથી વિરોધ થયો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રમેલું ગંદુ રાજકારણ ગુજરાત સુધી પહોચ્યું છે. ગુજરાતમં પણ કેટલાક નેતાઓ વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરે છે.કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે પણ પરપ્રાંતીયોના વિવાદ અંગે ગંભીર આક્ષેપો થયા છે.
સાબરકાંઠા જિલ્લામાં ૧૪ મહિનાની બાળકી પર દુષ્કૃત્યની ઘટના બાદ હિંસા ભડકી છે. હવે આ હિંસાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. જેની અસર ગુજરાતનાં સોશિયો-ઈકો ઉપર થઈ રહી છે.તંત્ર કાયદો વ્યવસ્થા જાળવી શાંતી બરકરાર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૪૦૦થી વધુ લોકોની ધરપકડ થઈ છે.
ગુજરાતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત’ થકી દર વર્ષે કરોડો રૂપીયાનું મૂડી રોકાણ આવે છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’ શાંતિના વાતાવરણમાં ઔદ્યોગિક વિકાસનો દાખલો બેસાડે છે. ત્યારે ગુજરાતમાં શાંતિના વાતાવરણને ડહોળવા રાજકીય ગિધડાઓ મેદાને ઉતરી ગયા છે.
ગુજરાતમાં પરપ્રાંતીયો ઉપર હુમલાની ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન શાંતિનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને હુમલાની એક પણ ઘટના ઘટી નથી.
તેમણે ગુજરાતના પ્રજાજનોને શાંતિ અને સદ્દભાવના રાખવાની અપીલ કરતા કહ્યું કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જોખમાય એવું કોઇ પણ પ્રકારનું કૃત્ય કરવું જોઇએ નહીં. ગુજરાત-બિનગુજરાતી, આપણે સૌ એક છીએ.
રૂપાણીએ જણાવ્યું કે, નાની બાળા ઉપર અમાનવીય જાતીય હુમલાના આરોપીને ગુજરાત પોલીસે ગિરફતાર કરી લીધા છે. આ આરોપીઓને સામે ઝડપી કાર્યવાહી થાય, તેને સજા મળે, એવા હેતુંથી બે માસમાં આ કેસમાં ન્યાયિક નિર્ણય આવે એ માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ સાફસાફ શબ્દોમાં કહ્યું કે, હાલમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઇ પણ નાગરિક કાયદો હામાં ન લે તેવી વિનંતી છે પણ, જો કોઇ પણ નાગરિક કાયદો હામાં લેશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યમંત્રી સાથે વાત થઇ છે. સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાત વતી મે તેમને શાંતિ તથા સુરક્ષાની ખાતરી આપી છે.