હળવદ મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી
હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા કક્ષાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ, રોગી કલ્યાણ સમિતિ, તાલુકા તકેદારી સમિતિ અને નગરપાલીકા તેમજ ઈ-ધરાના પ્રશ્નો અંગે ચર્ચા પરામર્શ કરવામાં આવ્યા હતા.
આજરોજ મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને તાલુકાના પ્રાણપ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં મામલતદાર વી.કે. સોલંકી, પીએસઆઈ શ્રી સમા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એરવાડીયા, રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી દઢાણીયા, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.કૌશલ પટેલ, નગરપાલીકા ચીફ ઓફિસર સાગર રાડીયા, આંગણવાડીના અધિકારી મમતાબેન સહિતના અધિકારીઓ ઉપતસ્થત રહ્યા હતા. ઉપરાંત આગામી તા.ર૦/૧૦થી ર૪/૧૦ યોજાનાર એકતા યાત્રા વિશે લોકોમાં જાગૃતિ કેળવાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આગામી તા.ર૦/૧૦ના હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં એકતા યાત્રાનું પ્રસ્થાન થશે તેમજ આ એકતા યાત્રામાં સરદાર પટેલની પ્રતિમા સાથે લોકોમાં જાગૃતિ અંગેનો સંદેશો પાઠવવામાં આવશે. તે માટે આ બેઠકમાં આયોજનબધ્ધ રીતે વ્યવસ્થા અને લોક સંદેશાની વિસ્તૃત છણાવટ કરાઈ હતી.