ચાર દિ’ પૂર્વે પકડાયેલા જથ્થાના મુળ સુધી પહોંચી નકલી દવાનો પર્દાફાશ કરતી પોલીસ.
માળિયાના ગાંગેચા ગામે ૪ દિવસ પહેલા પોલીસે એક વાડીમાંથી ૬૧ લાખથી વધુનો ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો ઝડપી પાડયા બાદ મુખ્ય સુત્રધારનાં મકાનમાં રેઈડ કરી ત્યાંથી દવા ભરેલા બેરલો કબજે કરી અંદાજે એક કરોડનો દવાનો જથ્થો કબજે કરી તેને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
માળિયા પોલીસે ૪ દિવસ પહેલા ગાંગેચા ગામે સુરેશકુમાર વલ્લભભાઈ વડારીયાની વાડીનાં ગોડાઉનમાંથી ૬૧ લાખથી વધુનો બીલ વગરના ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો ઝડપી પાડયા બાદ આ જથ્થો મારો નથી પરંતુ ગામના જ પિયુષ ધીરૂ વડારીયાનો હોવાની સુરેશે કબુલાત આપતા પીએસઆઈ ઓડેદરા, સ્ટાફના દિલીપસિંહ કાગડા, યોગેશ કેશવાલા, દેવેન્દ્ર બકોત્રા, તુલસીભાઈ સહિતનાં કાફલાએ તેના નિવાસ સ્થાને રેઈડ કરતા વયોવૃદ્ધ માતા-પિતા હાજર હતા પરંતુ પિયુષ પાંચ દિવસથી ઘરે આવેલો ન હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે મકાનનાં ડેલામાં આવેલા ઢાળીયામાં તપાસ કરતા ત્યાંથી ૨૦૦-૨૦૦ લિટરના દવા ભરેલા ૨૯ બેરેલો (૫૮૦૦ લિટર), ખાલી બોટલ ભરેલો (૫૮૦૦ લિટર), ખાલી બોટલ ભરેલા ૧૦ બાચકા અને ઢાંકણા, સ્ટીકર, લેબલ સહિતનો ૩૫ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. આમ કુલ અંદાજે ૧ કરોડનો શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્થો ઝડપાતા પંથકમાં ચકચાર પ્રસરી છે.