રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ૨૪માં બાળસંગમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા.
એક હજાર જેટલા બાળકોએ ફનવર્લ્ડમાં વિવિધ રાઇડ્ઝમાં બેસી આનંદ માણ્યોહતો. ‘‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’’ ફેઇમ ભવ્ય ગાંધીએ બાળકોને મોજ કરાવી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે,પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.
રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો,સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક માહોલમાં રહે છે.
ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે, તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે. ત્યારે, સૌ નાગરિક ભાઇઓ બહેનોને મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે રાજ્યમાં સૌ કોઇ ભાઇચારા અને શાંતિનો માહોલ બનાવી રાખે.