શું ભારત અર્થતંત્રને દોડાવવા ચીન જેવી હિંમત કરી શકશે?
ભારતીય અર્થતંત્રના ઉજળા ભવિષ્યનો વિશ્વ બેંકનો અંદાજ પણ ચીનની જેમ કેશ રિઝર્વ રેશિયોમાં કાપ મુકાય તો સારા પરિણામ મળે
ભારતીય અર્થતંત્રના વિકાસનું એન્જીન રફતાર પકડી રહ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯ને વિકાસ દર ૭.૩ ટકા જયારે આગામી બે વર્ષનો વિકાસ દર ૭.૫ ટકા રહેશે તેવો અંદાજ વિશ્વ બેંકે લગાવ્યો છે. જોકે ભારતીય અર્થતંત્રના વિકાસનો વિશ્વ બેંકનો આ અંદાજ ત્યારે જ હકિકતમાં પરિણામે જયારે ભારત ચીન જેવી હિંમત બતાવે.
અમેરિકા સામેની ટ્રેડવોરમાં ટકી રહેવા માટે ચીને અર્થતંત્રમાં ૧૦૯ અબજ ડોલર ઠાલવવાનું ડગલુ લીધું છે. ચીનની મધ્યસ્થ બેંકે ૧૫ ઓકટોબરથી રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયો એટલે કે કેસ રિઝર્વ રેશિયોમાં એક ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. જેનાથી ચીનની બેંકીગ સિસ્ટમમાં ૧૦૯ અબજ ડોલરની રોકડ આવશે. તરલતા વધશે અને અમેરિકા સામે લડવાની તાકાત પણ વધશે.
અર્થતંત્રને અસરકર્તા વર્તમાન સંજોગોમાં ટકી રહેવા માટે ભારતને પણ ચીનના રસ્તે ચાલવાની તાતી જરૂર છે. કેશ રિઝર્વ રેશિયાના કારણે ઈંધણના ભાવ, શેર બજાર અને તરલતાને સીધી અસર પહોચે છે. અર્થતંત્રની રફતાર બરકરાર રાખવા દેશમાં રહેલુ ડેડ મની ફી કરાવવાની જરૂર છે.
ચાલુ વર્ષમાં પીપલ્સ બેંક ઓફ ચાઈના દ્વારા ચોથી વખત રેટ કટ કરવામાં આવ્યો છે.બજારમાં તેજી લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટમાં ભરપૂર નાણા ઠાલવવાની જરૂરીયાત ચીનને જણાઈ છે. જેથી રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયોમાં એક ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. જેનાથી તરલતામાં વધારો થશે બેંકો ઉપરના જંગી દેવામાં રાહત પણ થશે.
ભારત પણ ચીનની જેમ વિકાસ સાધતુ અર્થતંત્ર છે. આર્થિક નીતિ પણ બંને દેશોની ઘણા અંશે મળતી આવે છે. અમેરિકા સામેની ટ્રેડ વોરમાં ટકી રહેવા માટે ચીને તત્કાલ અસરથી ઘણા મહત્વના પગલા લીધા છે. ભારતે પણ ચીનની જેમ કેશ રિસ્વી રેશીયામાં ફેરફાર જેવા પગલા જોઈએ. જેનાથી માર્કેટ મંદી તરફ ધકેલાતુ અટકશે.
કેશ રિઝર્વ રેશિયો ઉપરાંત રેપોરેટ અને રિવર્સ રેપોરેટ પણ અર્થતંત્ર ઉપર સીધી અસર પહોચાડે છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે ચોથી દ્વિમાસીક નાણાકીય નીતિ સમિક્ષા બેઠકમાં રેપોરેટને ૬.૫૦ ટકાના દરે યથાવત રાખવાની જાહેરાત કરી હતી. રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકા રાખવાનો નિર્ણય લીધો હતો.
ક્રુડની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપીયામાં સતત ઘટાડો થવાના કારણે મોંઘવારી વધવાની દહેશત સેવાઈ રહી છે. ત્યારે આરબીઆઈએ રેપોરેટ યથાવત રાખતા તમામ ચોંકી ગયા હતા. આવા સમયે ચીનની જેમ તત્કાલ અસરથી મસમોટા ફેરફાર કરવા આવશ્યક છે.
ભારતીય અર્થતંત્રનો વિકાસ ઝડપ પકડી રહ્યો હોવાનો દાવો વિશ્વ બેંક દ્વારા કરવામાં આવ્યો છે. નોટબંધી અને જીએસટી જેવા પગલાના કારણે ભારતીય અર્થતંત્રમાં લાંબા ગાળે સકારાત્મક અસરો જોવા મળી છે. જોકે વૈશ્વીક પરિબળો સાનુકુળ હોવાથી આ અસરો સંપૂર્ણ પણે દેખાઈ રહી નથી.