મચ્છરોની ઉતપતિ સબબ રૂ.૪૦ હજારનો દંડ વસુલાયો
શહેરમાં માથુ ઉંચકી રહેલા રોગચાળાને ડામવા માટે આરોગ્ય શાખા દ્વારા મચ્છરોની ઉત્પતિ સબબ ખાસ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કલ્યાણ જવેલર્સ, ગેલેકસી ટોકીઝ, ઓપ્શન શો-રૂમ, જોયાલુકકાસમાંથી મચ્છરોના લારવા મળી આવતા રૂ.૪૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, યાજ્ઞિક રોડ પર કલ્યાણ જવેલર્સના સેલરની ડોલમાં, અંડરગ્રાઉન્ડ ટાંકી અને સેલના ટાંકામાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. જયારે રેસકોર્સ રીંગ રોડ પર ગેલેકસી ટોકીઝના ટેરેસ પરની સિમેન્ટની ટાંકી અને પાર્કિંગના ખુલ્લા મેઈન હોલમાં મચ્છરોના પોરા દેખાયા હતા.
યાજ્ઞિક રોડ પર ઓપ્શન શો-રૂમના વોટર કુલરમાં, સેલરની ડોલમાં અને પાણીના ટાંકામાં જયારે જોયાલુકકાસ જવેલર્સમાં સેલરના સંપ, કુંડા નીચેની ડિશમાં મચ્છરોના પોરા જોવા મળ્યા હતા. ભાવનગર રોડ પર ફોર ઝેન ફોર પ્રા.લી., કોઠારીયા રોડ પર ડી-માર્ટ, ગુલાબનગરમાં કલાપી ઈન્ડસ્ટ્રીઝ, જીવરાજ પાર્કમાં કસ્તુરીકલા, કોઠારીયા રોડ પર રિદ્ધિ-સિદ્ધિ હાઈટસ નામની બાંધકામ સહિતના સ્થળોએ મચ્છરોના પોરા મળી આવતા દંડ ફટકારાયો હતો.