ગત વર્ષે શરૂ થયેલી પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને સાંદિપની વિદ્યાનિકેતનની સંસ્કૃત પાઠશાળાનાં પ્રથમ દિક્ષાંત સમારોહનું પણ આયોજન
ગત વર્ષે પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પંચનાથ હોસ્પિટલનાં નિર્માણાર્થે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં સાંનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન થયેલ.
જેમાં પૂ.ભાઈશ્રીની પ્રેરણાથી સાંદિપની વિદ્યાનિકેતન (પોરબંદર) તથા પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે રાજકોટની સર્વપ્રથમ નિ:શુલ્ક સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં ડો. જગત તેરૈયા (પી.એચ.ડી.) દ્વારા દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ વર્ગો ચાલે છે.
અત્યારે બે બેચ પૂર્ણ થઈ આશરે ૮૦ વિદ્યાર્થીઓએ સંસ્કૃતિનું શિક્ષણ પૂર્ણ કર્યું. જે તમામ વિદ્યાર્થીઓનો પ્રથમ દીક્ષાંત સમારોહ આગામી તા.૭/૧૦ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે યોજવામાં આવેલ છે. આ પ્રસંગે દીક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તથા પૂ.ભાઈશ્રીનાં આશીવર્ચનનો લાભ પણ નગરજનોને પ્રાપ્ત થશે.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટનાં પ્રમુખ દેવાંગ માંકડ જણાવે છે કે ભારતીય સંસ્કૃતિનાં મૂળમાં સંસ્કૃત ભાષા રહેલી છે. આ ભાષા કોઈ વિસ્તાર કે સમુદાય પુરતી સિમીત નથી. એ તો યુનિવર્સલ છે. પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતનાં પ્રચાર, પ્રસાર માટે પ્રામાણીક પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રથમ દિક્ષાંત સમારોહમાં રાજકોટનાં નગરજનોને ઉમટી પડવા પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ અનુરોધ કરે છે.
પંચનાથ મહાદેવનાં સાંનિધ્યમાં યોજાનાર દીક્ષાંત સમારોહ અને આંખની હોસ્પિટલનાં ઉદઘાટન સમારોહમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ઉદઘાટક રહેશે. તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધનસુખભાઈ ભંડેરી, બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારીયા, ઉદયભાઈ કાનગડ, નિતીનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, અજયભાઈ પરમાર, અશ્વીનભાઈ મોલીયા, પુષ્કરભાઈ પટેલ, આશીષકુમાર ચૌહાણ ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર આયોજનને પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટનાં પ્રમુખ દેવાંગ માંકડની રાહબરીમાં વસંતભાઈ જસાણી, તનસુખભાઈ ઓઝા, ડો. લક્ષ્મણભાઈ ચાવડા, ડો. લલીતભાઈ ત્રિવેદી, મહેન્દ્રસિંહ ગોહેલ, મિતેષભાઈ વ્યાસ, મનુભાઈ પટેલ, નિતીનભાઈ મણીયાર, મયુરભાઈ શાહ, ડી.વી.મહેતા, નારણભાઈ લાલકીયા વગેરે સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.