મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના પ્રાંત અધિકારીની ટીમને દહેરાન મોકલ્યા: ઇજાગ્રસ્તના ત્રણ સગાને સાથે લઇ જવાયા: એક સાથે સાત યાત્રાળુના મોતથી રામેશ્ર્વર અને બાબરીયા વિસ્તારમાં શોક
રાજકોટથી ઉતરકાશીની યાત્રાએ ગયેલા કડીયા પરિવારની મીની બસ ગંગોત્રી-રૂષિકેશ હાઇ-વે પર ભીરવાડી નજીક ૬૦ ફુટ ઉંડી ખીણમાં ખાબકતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના સાત વ્યક્તિ સહિત નવના મોત નીપજતા મૃતક પરિવારની વહારે રાજય સરકારી આવી છે. સાતેય મૃતદેહને રાજકોટ લાવવા માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યવસ્થા કરાવી પ્રાંત અધિકારીઓને વિમાન માર્ગે મોકલી દહેરાદુનથી વાયુસેનાના હવાઇ જહાજમાં સાતેય મૃતદેહ સાંજ સુધીમાં રાજકોટ લાવવામાં આવનાર છે.
શહેરના કોઠારિયા રોડ પરના રામેશ્ર્વર, વિવેકાનંદ સોસાયટી અને ગાયત્રીનગર વિસ્તારના કડીયા પરિવાર ગત તા.૩૦મીએ રાજકોટથી ટ્રેનમાં અમદાવાદ અને ત્યાંથી હરિદ્વાર પહોચી ગંગા સ્નાન કરીને શુક્રવારે મીની બસ ભાડે બાંધી ૧૫ મુસાફરો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.
ગંગોત્રી ખાતે ગંગા સ્નાન અને દર્શન કરીને મીની બસ રૂષિકેશ હાઇ-વે પર આવી રહી હતી ત્યારે બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ૬૦ ફુટ ઉંડી ખીણમાં પડતા રાજકોટ જાગનાથ સોસાયટીના હેમરાજભાઇ બેચરભાઇ રામપરીયા, વિવેકાનંદ સોસાયટીના મગનભાઇ શામજીભાઇ સાપરીયા, રામેશ્ર્વર સોસાયટીના ચંદુભાઇ તુલશીભાઇ ટાંક, દેવજીભાઇ હીરજીભાઇ ટાંક, ગોદાવરીબેન ભગવાનજીભાઇ રાઠોડ, ગાયત્રીનગરના ભાનુબેન દેવજીભાઇ ટાંક, બસનો ચાલક દિનેશ જયપાલ અને પુનાના બેચરભાઇ રામજીભાઇ વેગડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કંચનબેન હેમરાજભાઇ, લીલાબેન ચંદુલાલ, પુષ્પાબેન દયાલભાઇ, તુલશીભાઇ જાદવ અને મુકતાબેન બેચરભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મૃતક બેચરભાઇ રામજીભાઇ અને ચંદુભાઇ તુલશીભાઇ સાઢુભાઇ થતા હોવાથી એક સાથે બે બહેન વિધવા બની છે. જ્યારે રામેશ્ર્વરના ભગવાનજીભાઇ રાઠોડ અને તેમના પત્ની ગોદાવરીબેનના મોત નીપજતા દંપત્તીએ સજોડે જીવ ગુમાવતા પરિવારમાં કરૂણાંતિકા સર્જાય છે.
ઉત્તરકાશીમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના કડીયા પરિવારની સાત વ્યક્તિઓઓ જીવ ગુમાવ્યાની જાણ થતા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ મૃતદેહ તાકીદે રાજકોટ પહોચે તે માટે સચિવ ડો.જે.એન.સિંહને જરૂરી સુચના આપતા રાજકોટ કલેકટર રાહુલ ગૃપ્તાએ પ્રાંત અધિકારી એ.ટી. પટેલની ટીમને રાજકોટથી સવારે સાડા આઠ વાગે વિમાન માર્ગે દિલ્હી મોકલ્યા છે. દિલ્હીથી બાઇ રોડ દહેરાદુન જઇ વાયુસેનાના હવાઇ જહાજમાં સાંજ સુધીમાં સિધા રાજકોટ આવી જશે પ્રાંત અધિકારીની ટીમની સાથે રાજકોટના ઇજાગ્રસ્તના પરિવારની ત્રણ વ્યક્તિઓને સાથે લઇ જવામાં આવી છે.