ભારતની ક્રુડની જરૂરીયાતો માટે ઈરાક બાદ ઈરાન સૌથી મોટુ સ્ત્રોત
ક્રુડની ખરીદીને લઈને અમેરિકાનો પ્રતિબંધ છતાં ભારત હવે ઈરાન પાસેથી ઓઈલ ખરીદી ચાલુ રાખશે તેથી ઈંધણ સસ્તુ થવાની શકયતાઓ વધશે. સ્ટેટ રન ઈન્ડિયન ઓઈલ અને મેંગ્લોર રિફાઈનરીએ ઈરાન પાસેથી ક્રુડની ખરીદી અંગેના કરારો કર્યા છે.
સરકારના આ નિર્ણયથી અમેરિકાને પેટમાં તેલ રેડાશે પણ ઈરાક બાદ ઈરાન ભારતની ક્રુડની જરૂરતો પુરુ કરતુ સૌથી મોટુ સ્ત્રોત છે. ભારત ચાબહાર પોર્ટને વિકસાવી રૂપીયાનું ચલણ વધારવા માંગે છે. જેનાથી ક્રુડની ખરીદીમાં વધારો થઈ શકશે.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ નવેમ્બરમાં ઈરાનમાંથી રિફાઈનરીએ ૧.૨૫ મિલીયન ટન ક્રુડની ખરીદીના કરારો કર્યા હતા. આ વર્ષે પણ ભારતે ઈરાન પાસેથી ક્રુડની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે રિલાયન્સ અને નાયારો જેવી કંપનીઓએ ખરીદીનું પ્રમાણ ઓછું કર્યું છે.
જાપાન, સાઉથ કોરિયા, શ્રીલંકા અને યુરોપના દેશો, ઈરાનમાંથી ક્રુડની આયાત બંધ કરે તેવી શકયતાઓ છે પરંતુ ભારત ક્રુડની આયાત કરતું રહેશે. ૨૦૧૫માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ન્યુકલીયર ડીલ રદ કરવાનો નિર્ણય લીધો હતો અને અન્ય ઔધોગિક સંબંધો પણ તોડયા હતા.
જેને કારણે ઓઈલ તેમજ બેન્કીંગ સેકટરોને અસર થઈ રહી છે. વૈશ્વીક સ્તરે ક્રુડના ભાવ આસમાને છે ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે ક્રુડની ખરીદી માટે ઈરાન વિશ્વસનીય સ્ત્રોત છે માટે ભારત ઈરાન પાસેથી ખરીદી ચાલુ જ રાખશે. આ પૂર્વ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે તેઓ મિત્ર ભારતને તેલ આપતુ રહેશે અને રાષ્ટ્રીય સંબંધો કેળવી રાખશે.