ખરેખર સાવજ જોખમમાં?
સાવજના મુદે રાજકારણ ગરમાયું: સિંહ ખસેડવા મુદે કોંગ્રેસની બે મોઢાની વાત
સિંહોની સારવાર માટે મેડિકલ પધ્ધતિમાં ફેરફાર કરવા નિષ્ણાંતોની સલાહ
સિંહોના નવા રહેઠાણ તરીકે બરડો સારો વિકલ્પ
સિંહોના ટપોટપ મોત બાદ તેના કારણો મામલે રાજકારણ ગરમાયું છે. સિંહોના મોતના કારણ પૈકી ઈકો સેન્સેટીવ ઝોનમાં ફેરફારના મુદાને પણ ઉછાળવામાં આવ્યો છે. ત્યારે ઈકો સેન્સેટીવ ઝોનમાં ફેર વિચારણા કેટલી આવશ્યક છે. તે અંગે દલીલો થઈ રહી છે.
ગીર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી અને નેશનલ પાર્કની આસપાસનો ઈકો સેન્સેટીવ ઝોન (ઈએસઝેડ) ઘટાડવાથી સિંહોના કુદરતી રહેઠાણનો વિનાશ થશે તેવી અરજી અદાલતમાં થઈ છે. ત્યારે સિંહોના કુદરતી નિવાસ અને તેની આસપાસના વાતાવરણ મુદે ફરી દલીલો થશે તેવી શકયતા છે.
ગીરમાં સિંહોના મોત બાદ બરડો સિંહોના રહેઠાણ માટે વિકલ્પ બની રહે તેવી પણ વિચારણા ચાલી રહી છે. જોકે આ પ્રશ્ર્ન લોકોની લાગણી સાથે સંકળાયેલો હોવાના કારણે સરકાર ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે.
બીજી તરફ સિંહોના મોત મુદે રાજકીય લાભ ખાટવા માટે નેતાઓ પણ મેદાને આવી ગયા છે. એક તરફ મધ્યપ્રદેશના કોંગી નેતાઓ સિંહોને મધ્યપ્રદેશમાં લાવવા મુદે આંદોલન ચલાવે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તે જ વાતનો વિરોધ કરી રહ્યા છે ! જે ખરેખર આશ્ર્ચર્યજનક બાબત છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાતના ૨૩ સિંહોનું બલીદાન આપવામાં આવ્યું છે. મારૂ માનવું છે કે સિંહોના ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું હોય શકે છે. વિપક્ષના નેતાનો આ ગંભીર આક્ષેપ વિવાદ સર્જી શકે છે.
ગીરમાં સિંહોના મોત પ્રશ્ર્ને રાજય સરકાર તુરંત હરકતમા આવી ચૂકી છે. મોતનાં કારણોની તપાસથી લઈ તેના ઉકેલ માટે સરકારની પૂરતી તૈયારીઓ છે. આ મામલે ન્યાય પ્રણાલી પણ સજાગ છે. તાજેતરમાં જ અદાલતે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
સિંહોના મોત પ્રશ્ર્ને રાજય સરકારનો તુરંત પગલા લેવાનો નિર્ણય ખૂબજ સરાહનીય છે. ગીરના જંગલોમાં સિંહોની સલામતી માટે સરકારે અમેરિકાથી મંગાવેલી વેકસીનનો જથ્થો આવી ગયો છે. આ વેકસીન સિંહોને વાઈરસથી સલામત રાખશે.
તાજેતરમાં ત્રણ નિષ્ણાંતોની ટુકડીએ ગીરના જંગલની મૂલાકાત લીધી હતી અને સરકારને આ પરિસ્થિતિમાં કાબુ મેળવવા માટે સિંહો માટે આરોગ્ય સુવિધાઓનો સુધારો કરવાની ભલામણ કરી હતી. આ કમીટીના અધ્યક્ષ ડો. રાજા રામ સિંઘ છે.