ru
રૂ.૨ લાખના ખર્ચે વાડલાની શાળામાં કમ્પાઉન્ડ હોલ બનાવવાની જાહેરાત: ગ્રામજનોનાં પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા જરૂરી સુચનાઓ અપાઈ
તાલાલાનાં વાડલા ગામે જિલ્લા કલેકટર અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે વાડલા ગામેની પ્રાથમિક શાળામાં રૂ.૨ લાખનાં ખર્ચે એ.ટી. વી.ટી. ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ હોલનું નિર્માણ થશે તેમ જણાવી કહ્યું કે, ગામના સર્વાંગી વિકાસ માટે તંત્ર સાથે લોકોનો સહયોગ આવશ્યક છે. રાત્રી સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોનો પ્રતિભાવ રજુઆતો જાણી જિલ્લા કલેકટરે કહ્યું કે, આ રાત્રી સભાનાં માધ્યમથી આપણે ગામનાં વિકાસ માટે એવી ચર્ચાઓ કરીએ કે, આ ગામ જિલ્લાનું આદર્શ ગામ બની રહે. તંત્ર તમારી પડખે હંમેશા ઉભું રહેશે અને તમારી પણ નૈતિક ફરજ છે કે તમે પણ તંત્રને પુરો સહયોગ આપો. લોકો અને તંત્ર સાથે મળીને કાર્ય કરે તો જ ગામનો ખરો વિકાસ થાય.
આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ, એ.ટી.વી.ટી., સમાજ સુરક્ષા વન વિભાગ, આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિત તમામ વિભાગનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં વાડલા ગામનાં સરપંચ મુકેશભાઈ ધામસાણીયાએ જંગલ વિસ્તારમાંથી માટી-રસ્તાઓ માટે ભરવા દેવા બાબત, વાડલાથી મોરૂકા અને બામણાસા જતો રસ્તો બનાવવા, નવું ગામ તળ બનાવવા, વોકળા પર પુલ બનાવવા, લક્ષ્મીબેન ખરાએમિશન મંગલમને લગતા પ્રશ્ર્નો, ગોવિંદભાઈ વાઘ દ્વારા આંબેડકર ભવન બનાવવાના જોગદીયા અમૃતા અને જોગદીયા આશિકા દ્વારા એસ.ટી.બસનાં પ્રશ્ર્નો રજુ થયા હતા. જેનો સમય મર્યાદામાં યોગ્ય નિકાલ કરવા જિલ્લા કલેકટરે ખાતરી આપી હતી.