પ્રાણી અત્યાચાર સમિતિએ પત્રકાર પરિષદ સંબોધી જામવાડા એનીમલ કેર સેન્ટરમાં કેદ કરેલા ૩૩ સિંહોને કુદરતી વાતાવરણમાં છુટા મુકવા અપીલ કરાઇ
જુનાગઢ દલખાણીયા રેન્જના ટપોટપ મરતા સિંહના કારણે પ્રકૃતિ પ્રેમીઓને જબરો આચકો લાગ્યો છે. ઘટનાની શરુઆતથી જ વન વિભાગના અધિકારીઓ આ ઘટનામાં મુળ સુધી પહોચવાને બદલે મીડીયા સમક્ષ બહાનેબાજી કરવામાં જ સમય વિતાવ્યે ગયા હતા. ગુજરાતનાં મુખ્ય વન સંરક્ષક એ પહેલું તારણ આપ્યું હતું કે ટપોટપ મૃત્યુ પામેલા સિંહો કદાચ ઇનક્રાઇટના કારણે મૃત્યુ પામ્ય છે. કોઇપણ બિમારી કે ઇન્ફ્રેકશન હાલ મૃત્યુ પામેલા સિંહોમાં દેખાઇ રહ્યું નથી. આવું તેમના સ્થાનેથી અપાયેલું નિવેદન આજે બુઘ્ધિજીવીઓને હાસ્યાસ્પદ લાગી રહ્યું છે.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીએ ગઇકાલે જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ચિંતા વ્યકત કરતા સમીતીનાં મેમ્બર સોહેલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં માનવ વાસહતમાં હુમલો કરી વન વિભાગના જાંબુડી વિસ્તારમાં પાંચ જેટલા સિંહોએ ત્રણ જેટલા માનવોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં વન વિભાગે સિંહો માનવભક્ષી થયા હોય તેવા તારણમાં સતર સિંહોને કેદ કર્યા હતા. આ સતર સિંહોમાં ત્રણ સિંહણો ગર્ભવતી હતી.
આ ત્રણ સિંહણોએ આઠ બચ્ચાને જન્મ આપ્યા હતા. વન વિભાગની અણઆવડત અને બેદરકારીના કારણે આ આઠે આઠે બચ્ચા મોતને ઘાટ ઉતર્યા હતા. હાલ પ્રાણી અત્યાચાર સમીતીને માત્રને માત્ર કામગીરી બતાવવા અને જવાબદારીમાંથી સરકવા માટે હાલ નિર્દોષ જાનવરોને જામવાડા એનીમલ કેર સેન્ટરમાં કેદ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે જેવી રીતે જસાધાર એનીમલ કેર સેન્ટર સિંહો માટે મોતનું ઘર બન્યું હતું. તેવી રીતે જામવાડા એનીમલ કેર સેન્ટર પણ સિંહોના મોતનું કારણ બનશે તો જવાબદાર કોણ ? જે એનીમલ કેર સેન્ટરની પાંચથી સાત સિંહોની સારવાર કરવાની કેપીસીટી છે ત્યાં હાલ તેત્રીસ સિંહોને રાખવામાં આવ્યા હોય તેવું પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સિંહોના બચ્ચાઓને એક ઓરડીમાં એકી સાથે પુરીને રાખવામાં આવ્યા છે. જે બચ્ચાઓની હાલત પોલટ્રી ફાર્મના મરઘાઓ કરતા પણ બજાર હોવાનું તેમણે જણાવ્યું હતું પકડેલા તમામ સિંહો તંદુરસ્ત છે. છતાં તેમણે આ રીતે કેદ કરવામાં આવ્યા છે આ જગ્યામાં સૂર્યપ્રકાશ તેમજ હવાઉજાસ ન હોય જેથી સિંહોમાં ઇન્ફેકશન અથવા રોગ ફેલાવાની ચિંતા તેઓએ વ્યકત કરી હતી. આ ઉપરાંત તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે સિંહોનું રસીકરણ મોટા રીંગ પાંજરામાં કે તેમની કુદરતી રહેણાંકમાં પણ થઇ શકે છે. આ જ રીતે તેનું ઓબ્ઝર્વેશન પણ થઇ શકે છે. છતાં ફકત ને ફકત કામગીરી બતાવવા માટે શા માટે આ કરવામાં આવે છે? તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે નિર્દોષ અને તંદુરસ્ત ૩૩ સિંહોમાંથી જો એકપણનું મોત થશે તો હવે વન વિભાગની ખેર નથી.