વર્ષ ૨૦૧૪માં આઈએસના આતંકીઓ દ્વારા કરાયેલા ગેંગરેપનો ભોગ બન્યા બાદ નાદીયા મુરાદે ખાસ મહિલાઓ માટે જાગૃતતા ઝુંબેશ શરૂ કરી હતી: યૌન હિંસા
વિરુઘ્ધ લડાઈ અને મહિલા અધિકારો માટે ઉત્કૃષ્ઠ કાર્ય કરવા બદલ ઈરાકની નાદીયા મુરાદ અને ડો.ડેનિસ મેકવેગેને પીસ નોબલ પ્રાઈઝ
નોબલ પુરસ્કારોમાં શાંતિ પુરસ્કારની ઘોષણા તાજેતરમાં ઓસ્લોમાં પાંચ સભ્યોની કમીટીએ કરી છે. પીસ નોબલ પ્રાઈઝ-૨૦૧૮ માટે ડીઆર કાંગોના ડોકટર ડેનિસ મુકવેગે અને આઈએસના આતંકનો ભોગ બનેલી રેપ પીડિતા નાદીયા મુરાદની પસંદગી કરાઈ છે. યૌન હિંસા વિરુઘ્ધ લડાઈ લડવા માટે અને મહિલા અધિકારો માટે ઉત્કૃષ્ઠ કાર્ય કરવા બદલ આ બંને મહાનુભાવોને શાંતિ નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
પુરસ્કાર પસંદગી સમિતિએ કહ્યું કે, આ બંને વિજેતાઓએ યૌન હિંસાને હથિયારની જેમ ઉપયોગ કરવાની માનસિકતા વિરુઘ્ધ લડત ચલાવી સરાહનીય કામ કર્યું છે. યૌન હિંસા વિરુઘ્ધ તેમના સર્વોચ્ચ યોગદાનને ધ્યાને લઈ તેમને નોબેલ શાંતિ સન્માન અપાયું છે. ઈરાકની ૨૫ વર્ષીય નાદીયા મુરાદ કે જેને આઈએસએ સકેસ ગુલામ બનાવી હતી ત્યાંથી જીવ બચાવી નિકળ્યા બાદ તેણીએ પુરી દુનિયામાં મહિલાઓના અધિકારો માટે જાગૃતતાનું કામ કર્યું છે. આ ઝુંબેશમાં સ્ત્રીરોગના નિષ્ણાંત ડોકટર મુકવેગે પણ સાથ આપ્યો અને તેઓ ઘણા સમયથી રેપ પીડિતાઓની સારવાર માટે કામ કરી રહ્યા છે.
નાદીયા મુરાદ કે જે આતંકી સંગઠન ઈસ્લામીક સ્ટેટ-આઈએસ પાસે લગભગ ત્રણ મહિના સુધી ગુલામ રહી હતી. વર્ષ ૨૦૧૪માં આઈએસ આતંકીઓએ નાદિયાનું અપહરણ ઉતરી ઈરાકમાંથી કર્યું હતું જયાં આઈએસ આતંકીઓએ નાદીયા પર ગેંગરેપ ગુજાર્યો અને શારીરિક તેમજ માનસિક યાતનાઓ પણ આપી આઈએસના ચુંગલમાંથી ભાગવામાં તે સફળ રહી અને ત્યારબાદ જર્મનીમાં શરણ લીધી. વર્ષ ૨૦૧૫માં નાદીયાએ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં પોતાની વ્યથા રજુ કરી જણાવ્યું હતું કે, આઈએસ આતંકીઓ મહિલાઓને બર્ળાદ કરવાનું કામ કરી રહ્યા છે.
તેમના દ્વારા અપાતી પીડા એટલી ભયાનક છે કે ત્યારબાદ મહિલાઓ સામાન્ય જીવન જીવી ન શકે. પીડિત મહિલાઓની મદદ માટે વર્ષ ૨૦૧૬માં નાદિયાને સંયુકત રાષ્ટ્રએ પોતાની ગુડવીલ એમ્બેસેડર બનાવી અને આ થકી નાદીયા વૈશ્ર્વિક સ્તર પર મહિલાઓની એક અવાજ બની. નાદીયા ઉપર એક બુક પણ લખાઈ છે જેનું નામ લાસ્ટ ગર્લ છે.
આ પુરસ્કાર મેળવ્યા બાદ નાદીયાએ ટવીટ કરી જણાવ્યું કે, આ એવોર્ડ હું યૌન શોષણની ભોગ બનેલી મહિલાઓને સમર્પિત કરુ છું જયારે ડેનીસ મેકવેગે કહ્યું કે, આ એવોર્ડ એ વાતને સાબિત કરે છે કે, આપણે પીડિત મહિલાઓના અધિકાર અને તેમને યોગ્ય વળતર ચુકવવામાં હજુ કયાંક પાછળ છીએ.