તાજેતરમાં થયેલા 23 સિંહોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ(CDV) વિરોધી વેક્સિન અમેરિકાથી મંગાવવામાં આવી છે. આજે આ વેક્સિન વિમાન માર્ગે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ પરથી 300 જેટલી વેક્સિન જૂનાગઢ મોકલી આપવામાં આવી છે. આ વેક્સિન સિંહોને જે સ્થળે રાખવામાં આવ્યા છે તે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આ વેક્સિન -16 ડીગ્રી તાપમાનમાં રાખવા માટે તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત ઈન્ફેક્શનથી થયાનું ખૂલતાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને એપી સેન્ટર જેવા અમરેલી જિલ્લામાં પશુ રસીકરણને ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા તથા એક પણ પશુ બાકી ન રહી જાય તેવી સૂચનાઓ અપાઈ છે. જયાં સિંહોના વસવાટ છે, તેની આસપાસના ગામોમાં વેક્સિનેસન પર મહત્તમ ધ્યાન આપવાનો દાવો થઇ રહ્યો છે, જેથી કરીને ગાય-ભેંસ કે ઘેંટા-બકરા સહિતના પશુઓમાંથી કોઇ રોગનો ચેપ સિંહોને લાગી ન શકે. એક બીમાર પશુ કે પ્રાણીમાંથી નીકળતી કેટલીક જીવાતોમાં બીજા પશુ કે પ્રાણીમાં રોગ ફેલાઈ શકતી હોવાથી આ સાવચેતી રાખવામાં આવી રહી છે.