કોર્પોરેશનની ટેકસ બ્રાંચે ધોકો પછાડતા ૬ બાકીદારોએ રૂ.૬.૫૦ લાખનો વેરો ભર્યો
રીઢા બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ ગઈકાલથી ટેકસ બ્રાંચ દ્વારા મિલકત સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં કુવાડવા રોડ અને સંતકબીર રોડ પર ૪ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. ટેકસ બ્રાંચે ધોકો પછાડતા ૬ રીઢા બાકીદારોએ સ્થળ ઉપર જ રૂ.૬.૫૦ લાખનો વેરો ભરપાઈ કરી દીધો હતો.ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી દરમિયાન માતીનંદન પાર્કમાં હરદાસભાઈ અજાણી નામના વ્યકિત પાસેથી રૂ.૧૦ લાખનો બાકી વેરો વસુલવા માટે ૩ દુકાન સીલ કરી દેવામાં આવી હતી.જયારે ૨૨-રણછોડનગર વિસ્તારમાં રૂ.૩.૭૯ લાખનો વેરો વસુલવા માટે મિરર મેટ ફિનીસીંગ વર્કસ નામની દુકાન સીલ કરી દેવામાં આવી હતી. સીલીંગની કામગીરી હાથ ધરાતા માંડા ડુંગર વિસ્તારમાં અમિતભાઈ સાવલીયા નામના આસામીએ ૫ લાખની બાકી વેરાની રકમનો ચેક આપી દીધો હતો. આ ઉપરાંત અન્ય ૪ મિલકતોને ઝડપી બાકી વેરો ભરવા તાકીદ કરાઈ છે.