સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશનના પુર્વ પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી છેલ્લા ત્રણ વર્ષથી યુજીસીના ૭મા પગારપંચથી વંચિત રહેલા ગુજરાતતની કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોને જાન્યુઆરી-૨૦૧૬થી એરિયર્સ સાથે સાતમા પગારપંચનો લાભ આપવા બુલંદ રજુઆત કરી છે. પ્રો.ડોડીયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દેશના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાન સહિતના અનેક રાજયોએ જાન્યુઆરી-૨૦૧૬થી અધ્યાપકોને યુ.જી.સી.નું ૭મું પગારપંચ આપી દીધેલ છે. ગુજરાત આ બાબતના અમલીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમક્રમે રહે તેવી ગુજરાતના અધ્યાપકોની પૂર્વ ધારણા હતી પરંતુ કમનસીબે આમ બન્યું નથી.
આ પ્રત્યે સૂટાના પૂર્વ પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયાએ સખત નારાજગી વ્યકત કરી છે. દેશના ગરીબ રાજયો પણ અધ્યાપકોને ૭મું પગારપંચ સહજતાથી આપી શકતા હોય ત્યારે વિકાસના મંત્રને વરેલું ગુજરાત બિનજરૂરી વિલંબ કરતું હોય તે સ્થિતિમાં અધ્યાપક નેતાઓનું અકળ મૌન અધ્યાપકોને અકળાવી રહ્યું છે. જરૂર પડયે વિદ્યાર્થીઓ અને ગુજરાતના પ્રબુઘ્ધ નાગરીકોનો સહયોગ લઈને પણ નાછુટકે અધ્યાપકોએ સ્વયંભૂ ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન છેડવાની ફરજ પડશે તેમ સૂટાના પૂર્વ પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયાએ જણાવ્યું છે.