રાષ્ટ્રીય સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા તાજેતરમાં અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર શાંતિપુરા ચોકડી પાસે આવેલ બંસીગીર ગૌશાળા ખાતે જીવદયાપ્રેમી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ૪૫૦થી પણ વધુ જીવદયાપ્રેમીઓએ ઉપસ્થિત રહી ગૌશાળાનાં પ્રવેશદ્વારથી લઈ એની આંતરિક રચના, ગાયોની સાર-સંભાળ, દુધ દોહવાની રીત, પંચગવ્યથી ઉત્કૃષ્ટ ઉત્પાદનો બનાવવા અને વેચવા માટેની પઘ્ધતિ, ગોપાલન પોષણ અને સંરક્ષણ તેમજ વિભિન્ન વિષયો અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.
આ સંમેલનમાં સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહે જીવદયાપ્રેમીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, જો સૌ ખેડુતો બે-બે ગાયોનું પાલન પોષણ કરવા લાગે તો દેશમાં એકવાર ફરીથી કરોડો ગૌવંશ થઈ જશે. અહીં ગાયોની સાર-સંભાળની સાથે સાથે દેશી નસ્લની ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. શ્રેષ્ઠ ગૌશાળા એને કહેવાય જયાં ગૌમાતાનું ખ્યાલ, દુધ ઉત્પાદન, દેશી ગાયોથી લાભ વગેરે મુદાઓ ઉપર તેમણે ચર્ચા કરી નબળી ગૌશાળાનાં વિકાસ માટે આર્થિક આયોજન અને સહયોગ ઉપર વિશેષ ભાર મુકયો હતો. આ સંમેલનમાં બંસીગીર ગૌશાળાનાં પ્રમુખ સંચાલક ગોપાલભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, દેશમાં શ્રેષ્ઠ કક્ષાની ગૌશાળાઓના નિર્માણ માટે સુનિયોજીત આયોજન સાથે આ દિશામાં ગૌશાળા સાથે જોડાયેલા આપણે સૌએ ભેગા મળીને કામ કરવું પડશે. આ સંમેલનના અંતે ગૌ તજજ્ઞો અને નિષ્ણાંતો દ્વારા ગૌસેવા પ્રતિનિધિઓ અને જીવદયાપ્રેમીઓ સાથે પ્રશ્ર્નોતરી અને સંવાદ યોજાયો હતો અને ગૌશાળાના સંચાલકોને આર્થિક સહાયપે સમસ્ત મહાજન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારતીય પશુ કલ્યાણ બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહના હસ્તે ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.