તજજ્ઞો દ્વારા ઈ વે બીલ તથા જીએસટીના વાર્ષિક પત્રક સહિતના વિષયો પર વિશેષ માર્ગદર્શન અપાશે
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.૧૧ના રોજ જીએસટી વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૫૦ થી વધુ લોકો ભાગ લેશે ઉપસ્થિત તમામને તજજ્ઞો દ્વારા જીએસટી અંગેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાંચ તથા ધ રાજકોટ જી.એસ.ટી. બાર એસો.ના સંયુકત ઉપક્રમે જી.એસ.ટી. કાયદાની સમજ તથા વાર્ષિક પત્રક અને પ્રથમ વર્ષના ઓડીટ અંગે માર્ગદર્શન આપવા યોજવામાં આવેલ સેમીનાર કાર્યક્રમ અંગેની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા દ્વારા આવકારવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે ચેમ્બરએ વેપારીઓની બનેલ સંગઠીત સંસ્થા હોય છે. ગ્રેટર ચેમ્બરની સ્થાપનાથી જ ગ્રેટર ચેમ્બરના સુત્ર અનુસાર વ્યાપાર અમારૂ કર્તવ્ય, નીતિ અમારો ધર્મ, વેપારી અમારી જ્ઞાતિને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહેલ સંસથા તરીકે સ્થાન ધરાવે છે.
આવી સંસ્થાઓનું મૂળભૂત મુખ્ય કાર્ય વેપાર ઉદ્યોગના પ્રશ્ર્નોને વાચા આપી સત્તાધીશો સમક્ષ રજૂઆત દ્વારા વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનું હોય છે. આ ઉપરાંત સમય અનુસાર વેપાર ઉદ્યોગની સ્થિતિમાં આવતા વૈશ્ર્વીક પરિવર્તનો કે સરકાર દ્વારા અવાર નવાર આવતા નવા નવા કાયદાઓના નિષ્ણાંત જ્ઞાતા દ્વારા અભ્યાસ કરી વેપારીઓને માહિતગાર કરવાનો અને તેઓને ટ્રેઈન કરવાનો રહેલ છે. તેના ભાગરૂપે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાંચ તથા ધ રાજકોટ જીએસટી બાર એસો. દ્વારા તા.૧૧ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
ત્યારબાદ પ્રોજેકટ ચેરમેન ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજીવભાઈ દોશી દ્વારા જણાવેલ કે, આ સેમીનારના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજય જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલા તથા કેન્દ્રના જીએસટી કાઉન્સીલના એડી. ડાયરેકટર યોગેન્દ્ર ગર્ગ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત રાજયમાં તા.૧.૧૦થી લાગુ પાડવામાં આવેલ ઈ.વે બીલ પ્રથા મુજબ વેપારી તથા ક્ધસલ્ટન્ટ દ્વારા ઈવે બીલ તૈયાર કરવા અંગે તથા જીએસટીના વાર્ષિક પત્રક ભરવા તથા વાર્ષિક ઓડીટ બાબત જરૂરી માર્ગદર્શન જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રિયમ શાહ તથા સમીર સિધ્ધપુરીયા એડવોકેટ અમદાવાદ દ્વારા પુરૂ પાડવામાં આવશે. તેમજ ઈ.વે બીલ પ્રથા દાખલ થતા વેપારીઓને તથા ટ્રાન્સપોર્ટને ઉદભવતા પ્રશ્ર્નો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે.