નગીતામૃતથ પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રેરક પ્રવચન, રૂ.૨૧ હજારની કુંડીની ખરીદી કરી
જાણીતા કથાકાર મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેઓ ગાંધીવિચારધારાના ભાવિક છે. ગાંધી વિચારધારા પ્રમાણે જીવન જીવવું અઘરું છે, એ રીતે જીવનનો પોતે પ્રમાણિકતાપૂર્વક પ્રયત્ન કરે છે. ગાંધી જયંતીના દિવસે રચનાત્મક ક્ષેત્રના અગ્રણી અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઈ સંપાદિત નગીતામૃતથ પુસ્તકના બે ગ્રંથોનું વિમોચન કરતી વેળાએ મોરારિબાપુએ ઉપર મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ખાદીની રૂ.૨૧ હજારની હુંડીની ખરીદી કરી હતી અને ખાદીનું આ કાપડ જરૂરતમંદ લોકો વચ્ચે વહેંચી આપવા તેમણે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સંચાલકોને અનુરોધ કર્યો હતો.
મોરારિબાપુએ કહ્યું કે ગીતા ઉપર લખાયેલા બે પુસ્તકોનું લોકાર્પણ ગાંધીજયંતીના દિવસે થાય તેવી તેમની ઈચ્છા હતી. બીજી ઓકટોબર વિશ્ર્વ માંગલ્યનો દિવસ છે અને તેનાથી વધારે સારો દિવસ બીજો કયો હોય શકે ? ગાંધીજીએ સત્ય, અહિંસાની વાત કરી. સત્યને વિશ્ર્વસ્તરનો દરજજો આપ્યો. વિશ્ર્વ સંસ્થા યુનોએ બીજી ઓકટોબરને નઅહિંસા દિવસથ તરીકે મનાવવાનું ઠરાવ્યું છે. સત્ય અને અહિંસા આવ્યા પણ પ્રેમસંબંધ કેમ ન લીધો ? એ મારે મન પ્રશ્ર્ન હતો. પરંતુ ખાદી ગાંધીનો પ્રેમ છે. પ્રેમ, કરૂણા વિના શકય નથી. ખાદી દ્વારા ગાંધીનો પ્રેમ પ્રગટ થયો છે. તેમણે લોકોને ખાદી પહેરવા અનુરોધ કર્યો હતો. મોરારિબાપુએ કહ્યું કે રામ અને કૃષ્ણ જેવા અવતારો માનવીય શ્રેણીમાં થયા છે એ પરંપરાના એક અવતાર ગાંધી છે. ગાંધી અવતાર છે, યુગપુરુષ છે.
ગીતામૃત (સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને ભકિતયોગ) પુસ્તકોના સંપાદક દેવેન્દ્રભાઈ દેસાઈએ પોતે શા માટે આ પુસ્તકોનું સંપાદન કર્યું તેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગાંધી સાર્ધ શતાબ્દી નિમિતે ગાંધીજીને પોતાના તરફથી આ નમ્ર અંજલિ છે. પુસ્તકના પ્રકાશક, પ્રવિણ પ્રકાશનના સંચાલક ગોપાલભાઈ માકડિયાએ તેમની સંસ્થા દ્વારા ગીતા ઉપરના કેટલા પુસ્તકોનું પ્રકાશન થયું તેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નગીતમૃતથ મહત્વનું પ્રકાશન છે. પુસ્તકો વંચાતા નથી એ વાતને તેમણે તાર્કિક રીતે આધારવિહીન ગણાવી હતી.
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં મંત્રી વલ્લભભાઈ લાખાણીએ હુંડીની માહિતી આપી હતી અને રાજકોટ ડેરી તથા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટને પ્રતિકાત્મક રીતે બે ખાદી હુંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ દિપેશ બક્ષીએ અને સંચાલન રાજુલ દવેએ કર્યું હતું. આ પ્રસંગે સમિતિના ઉપપ્રમુખ હિંમતભાઈ ગોડા, મંત્રી હરસુખભાઈ મહેતા ઉપરાંત બી.એમ.ઘોડાસરા, બળવંતભાઈ દેસાઈ, ગુલાબભાઈ જાની, ડો.કે.કે.ખખ્ખર, જયંતીભાઈ ચાંદ્રા, નિતીનભાઈ વડગામા, મયાભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો, ખાદી ક્ષેત્રના કાર્યકરો અને સાહિત્યરસિકો હાજર રહ્યા હતા.