રાજકોટના જ ગૃહિણી મધુ ધાંધાએ બનાવેલા ૭૫ જેટલા ચિત્રો રજુ કરાશે: મેયરના હસ્તે ઉદ્ધાટન
રાજકોટના ઉભરતા કલાકાર અને પીંછી ઉપર જેની સુંદર પકકડ છે તેવા મધુબેન ધાંધા દ્વારા બનાવાયેલા પેઇન્ટીંગનું એક અદભુત પ્રદર્શન રેસકોર્ષમાં આવેલી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં યોજાવા જઇ રહ્યું છે. બ્રેથ ઓફ આર્ટના બેનર હેઠળ યોજાનારા આ પ્રર્દશનને ફર્સ્ટ બ્રેથ નામ આપવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનું ઉદધાટન આગામી તા.૬ને શનિવારે સાંજે ૫.૩૦ કલાકે રાજકોટના મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નાયબ મેયર અશ્વીનભાઇ મોલીયા, સ્થાયી સમીતીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા ઉપરાંત ગુજરાત રેકોર્ડ હોલ્ડર એસો. ના પ્રમુખ ડો. અજયસિંહ જાડેજા, બ્રહ્મક્ષત્રિય પંચના પ્રમુખ સુધીરભાઇ દુબલ વિપુલભાઇ અને રાજેન્દ્રભાઇ ધાંધા વગેરે ઉ૫સ્થિત રહેશે.
એક શુભેચ્છા મુલાકાતમાં મધુબેન જણાવે છે કે આ પ્રર્દશન સોલો છે અને તેમાં ૭૫ જેટલા જુદા જુદા પેઇન્ટીંગ રજુ કરવામાં આવશે. આ પેઇન્ટીંગમાં લેન્ડસ્કેપીંગ, પોટ્રેટ, બ્રશ વર્ક, નાઇફ પેઇન્ટીંગ ફિંગર પેઇન્ટીંગ વગેરેનો સમાવેશ થાય છે.
કલાનગરી રાજકોટમાં કલાનો અખૂટ વારસો પડયો છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મના અભાવે તે બહાર આવતો ન હતો પરંતુ હવે ધીરે ધીરે કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટમાં જ રહેતા મધુ ધાંધા નામના ઉભરતા પેઇન્ટરે પોતાની કલાનું પ્રદર્શન કરવાનું નકકી કર્યુ છે. તેઓ ગૃહીણી છે અને પેઇન્ટીંગનો બાળપણથી જ શોખ છે. તેઓએ આટલા સુંદર પેઇન્ટીંગ માત્ર ૬ માસમાં જ તૈયાર કર્યા છે અને તેમને ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે.
મધુબેન કહે છે કે ચિત્રકલા એક આર્ટ છે અને તે મનની કલ્પના ઉપરાંત જોયેલા આધારે તેને કેનવાસ ઉ૫ર પીછીંથી ઉતારી શકાય છે. તેમણે રાજકોટના અનેક કલાકારોમાં ચિત્રકલા ભરી હોવાનું પણ જણાવ્યું છે. આ પ્રદર્શન ૮મી ઓકટોબર સુધી સવારે ૧૦.૩૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને તેમણે શહેરની કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.