ક્રિસ્ટલ મોલના સેલરમાં અલગ-અલગ ત્રણ જગ્યાએથી જયારે વોકહાર્ટ હોસ્પિટલમાં બે સ્થળોએથી મચ્છરોના પોરા મળી આવ્યા
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગચાળાએ માથુ ઉંચકયું છે ત્યારે રોગચાળાને નાથવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ, વોકહાર્ટ હોસ્પિટલ અને સાધુ વાસવાણી રોડ પર વર્ધમાન હાઈટસ નામની બિલ્ડીંગમાંથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગચાળાને નાથવા માટે જયાં વિશાળ માનવ સમુહ એકત્રિત થતો હોય તેવા મોલ, હોસ્પિટલ સહિતના સ્થળોએ ચેકિંગ અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા સેલરમાં આવેલા બે અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી, વોશીંગ એરિયામાં આવેલ અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી અને ટાયરમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા.
જયારે સાધુ વાસવાણી રોડ પર વર્ધમાન હાઈટસ નામની બિલ્ડીંગમાં બે પુવારા, સેલરનુ કુંડી અને સેલરમાં જમા કરેતા પાણીમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. વોકહાર્ટ હોસ્પિટલમાં ઈટીપી એરિયાની અંડર ગ્રાઉન્ડ કુંડી અને કેરબામાંથી મચ્છરના પોરા જોવા મળ્યા હતા. મચ્છરોની ઉત્પતિ જણાતા તમામ પાસેથી રૂ.૨૭,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.