વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ-ઈન્ડિયા ઘર આંગણે વેસ્ટ-ઈન્ડીઝને ભરી પીવા સજજ: સવારે ૯.૩૦ કલાકથી ટેસ્ટ મેચનો આરંભ
લોકલ બોય ચેતેશ્ર્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા પર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોને વધુ આશા: રાજકોટથી ભારતને ટેસ્ટની નવી ઓપનીંગ જોડી મળશે?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતીકાલે યજમાન ભારત અને મહેમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે બે ટેસ્ટ શ્રેણી પૈકીનો પ્રથમ ટેસ્ટમેચ રમાશે. ઘર આંગણે રમાતી ટેસ્ટ શ્રેણીમાં વિરાટ સેનાને હોટ ફેવરીટ માનવામાં આવી છે. કાલે સવારે ૯.૩૦ કલાકે ટેસ્ટ મેચનો આરંભ થશે. રાજકોટની વિકેટ બેટસમેનોને યારી આપતી હોય રનના ખડકલા થવાની પણ સંભાવના રહેલી છે.
રાજકોટ ખાતે ૪ થી ૮ ઓકટોબર દરમિયાન રમાનારીપ્રથમ ટેસ્ટ મેચ માટે ત્રણ દિવસ પૂર્વે જ બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂકયુ છે. ગઈકાલે બંને ટીમોએ આકરી નેટ પ્રેકટીસ કરી હતી આજ બંને ટીમોના ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડયો હતો. ઈગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતને ટેસ્ટ શ્રેણીમાં ૪-૧થી કારમો પરાજય થયો હતો. ભૂતકાળ ભૂલી ભારત ઘર આંગણે નવા જૂસ્સા સાથે પોતાના અભિયાનની શરૂઅત કરશે.ખંઢેરીની વિકેટને બાઉનસી બનાવવા માટે બીસીસીઆઈ દ્વારા બે પીચ કયુરેટને રાજકોટ મોકલવામાં આવતા વિવાદ સર્જાયો છે.
બોર્ડના આ નિર્ણયથીએસસીએ ખૂબજ નારાજ છે. આમ વિવાદો વચ્ચે રાજકોટમાં કાલથી પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ થશે. રાજકોટને ટેસ્ટ સેન્ટરની માન્યતા મળ્યા બાદ બે વર્ષ પૂર્વે અહી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્મેચ રમાય હતી જેમાં છ સદીઓ લાગી હતીને ટેસ્ટ નિરસ રિતે ડ્રોમાં પરિણામી હતી રાજકોટમાં રમાનારી બીજી ટેસ્ટનું પરિણામ મળે તે માટે વિકેટ બાઉન્સી બનાવવામાં આવી હોવાનું મનાય રહ્યું છે.
રાજકોટ ટેસ્ટથી ભારતને સમાં નવી ઓપનીંગ જોડી મળે તેવી સંભાવના છે. શિખર ધવન અને મુરલી વિજયનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોય કાલથી શરૂ થતી પ્રથમ ટેસ્ટમાં મયંક અગ્રવાલ તથા પૃથ્વી શોને ટેસ્ટ કેપ મળે તેવી સંભાવના જણાય રહી છે. ટીમના ઉપસુકાની અને અનુભવી બેટસમેન અજીંકય રહાણેને ઓપનીંગમાં ઉતારવામાં આવશે તે ફાઈનલ મનાય રહ્યું છે. તેની સાથે મયંક અથવા-પૃથ્વીશોને ઓપનીંગમાં અજમાવાશે લોકલ બોય ચૈતેશ્ર્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા પર સૌરાષ્ટ્રન ક્રિકેટ પ્રેમીઓને વધુ આશા છે. રાજકોટની વિકેટ બેટસમેનોને યારી આપતી હોય ભારત સાત નિયમિત બેટસમેન અને ચાર બોલરો જેમા બે સ્પીનરો અને બે મીડીયમ પેશરા સાથે ઉતરશે.
ગઈકાલે વિન્ડિઝના કોચે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે વિરાટ કોહલીને કાબુમાં લેવા અમે ખાસ પ્લાન બનાવ્યો છે. હવે ક્રિકેટ રસીકોની નજર વિરાટ પર ટકી છે. સવારે ૯.૩૦કલાકે ટેસ્ટ મેચનો આરંભ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ દાવ લે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી ઉપરાંત અજિંકય રહાણે, ચૈતેશ્ર્વર પુજારા, મયંક અગ્રવાલ, પૃથ્વીશો, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્ર્વીન,રિષભપંત, મહમદ સામી, ઉમેશ યાદવ, દિનેશ કાર્તીકનો સમાવેશ કરવામાં આવ્યો જયારે વિન્ડિઝ ટીમમાં સુકાની જસોન હોલ્ડર, કેગ બ્રેથવેઈટ, કિરન પોવેલ, શિમરોન, હેતમયેર, શેનોન, ગ્રાબ્રિઅલ, શેન ડોવારિચ, રોસ્ટન ચેસ, જામેલ વારિકન, શાહી હોપે, દેવેન્દ્ર બિશુ, શેરમોન લુઈસ, સુનિલ એબ્રિસ, જાહેમર હેમિલ્ટન, કેમર રોય તથા ક્રિમો પોલનો સમાવેશ કરાયો છે.
રાજકોટમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને ટેસ્ટ કેપ મળે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ ખંઢેરી સ્ટેડીયમ ખાતે ૪ ઓકટોબરથી શરુ થનારી ઇન્ડિયા વિરૂઘ્ધ વિન્ડીઝ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટેલેન્ડેડ યુવા ખેલાડીઓમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શોવને સ્થાન અપાયું છે. ત્યારે આ નવા ખેલાડીઓને ટેસ્ટ કેપ મળે તેવી પ્રબળ સંભાવના છે. મયંક અગ્રવાલ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યો છે ત્યારે ક્રિકેટ બોર્ડે મયંકની ટીમ ઇન્ડીયા સાથેની પ્રેકટીસનો વિડીયો ટિવટર ઉપર અપલોડ કર્યો છે.
સતત લીસ્ટ ‘એ’ અને ફસ્ટ કલાસ ક્રિકેટ રમ્યા બાદ પ્રથમ ટેસ્ટ માટે મયંકનું ચયન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીસીસીઆઇએ રાજકોટમાં ટીમ ઇન્ડીયાની પ્રેકટીસના ફોટા પણ મુકયા હતા. એશિયા કપ જીત્યા બાદ ટીમ ઇન્ડીયા અને ક્રિકેટ રસીયાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે વિરાટ ટેસ્ટમાં કમબેક કરતા રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ ખુબ જ ઉત્સાહીત છે. જણાવી દઇએ કે ઇન્ડીયા સામે વેસ્ટ ઇન્ડીઝ એક પણ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું નથી ત્યારે ખંઢેરીમાં યોજનારી આ ટેસ્ટ સીરીઝ સરપ્રદ રહેશે.