અખિલ ભારતીય સાધુ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને બીલખા સ્થિત રાવતેશ્વર ધર્માલયમાં બિરાજમાન મહંત પ.પૂ. શ્રી ગોપાલાનંદજી બાપુ 115 વર્ષની વયે અવસાન પામ્યા છે.સાધુ સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બાપુના પાર્થિવદેહને દર્શન માટે બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં મુકવામાં આવ્યો છે.
ગોપાલાનંદજી બાપુનો આજે એટલે કે ગાંધીજયંતિના દિવસે સવારે 10 વાગે દેહવિલય થયો હતો. તેમના દર્શન રાવતેશ્વર ધર્માલયમાં બપોરે 1 વાગ્યાથી કાલ સવારે છ વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી બાપુની પાલખીયાત્રા નીકળશે. રાવતપરા થઇ સોની બજાર મેઇન રોડ, સ્ટેશન રોડ અને ત્યાંથી જૂનાગઢ બિલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ જશે. ગુરૂવારના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અંતિમવિધિ સંપન્ન કરવામાં આવશે.
ગોપાલાનંદજી વર્ષોથી તેઓ આરજી હકુમત પ્રવૃતિ કરતા હતા. બ્રિટીશરોના સમયમાં સ્વાતંત્ર સેનાની હતા ત્યારે ઘણી વખત તેમના હસ્તકની ધાર્મિક જગ્યાઓમાં આશરો લેતા હતા. જૂનાગઢના નવાબ પણ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. મોટી હવેલીના પુરૂષોતમ સ્વ. લાલજી મહારાજ સાથે તેમની મિત્રતા હતી.ગોપાલાનંદજીના દેહવિલયથી સાધુ સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતભરના સાધુ સમાજના લોકો બાપુના અંતિમ દર્શન માટે બિલખા ઉમટી રહ્યા છે.