૮૩૮ બોટલ નકલી દારૂ સાથે રૂ.૪.૨૧ લાખનો મુદામાલ જપ્ત
જુનાગઢ પ્યાસીઓ માટે માઠા સમાચાર સમાન શનિવાર રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે જુનાગઢ પોલીસની ટીમોએ સંયુકત રીતે બાતમીના આધારે દરોડો પાડતા કડીયાવાડ વિસ્તારના રહેણાંક મકાનમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા શહેરભરમાં ચર્ચા સાથે ચકચારનો માહોલ જામવા પામ્યો હતો. પોલીસ રેડ દરમિયાન ૮૩૮ બોટલ સહિત નકલી દારૂ બનાવવાનો મુદામાલ, દારૂની બોટલ સીલ કરવાનું મશીન સહિત ૪,૨૧,૧૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કડિયાવાડ વિસ્તારમાં આવેલ ડબગર શેરીમાં રહેતા સન્ની કિશન સોંદરવા નામનો શખ્સ તેના મકાનમાં દારૂ બનાવવાની ફેકટરી ઉભી કરી નકલી વિદેશી દારૂ બનાવી રહ્યો હોવાની ચોકકસ બાતમીના આધારે એસ.ઓ.જી અને એ ડીવીઝન પોલીસે સંયુકત દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
જેમાં બુટલેગર સન્ની કિશન સોંદરવાને ૮૩૮ નકલી વિદેશી દારૂની બોટલો દારૂમાં મિકસ કરવાના કલર, કેફી દ્રવ્યો, બોટલ પર લગાવવાના સ્ટિકરો ૨૧૫૦ ખાલી બોટલ, ૧૦૦ લીટર નકલી તૈયાર કરેલો દારૂ તેમજ બોટલ સીલ કરવાનું મશીન તેમજ રૂ.૩,૩૫,૨૦૦ની કિંમતનો નકલી વિદેશી દારૂનો જથ્થો અને સાધનો મળી કુલ રૂ.૪,૨૧,૧૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. બાદમાં બુટલેગર શખ્સ સામે સન્ની કિશન સોંદરવા સહિત તેમના ન મળી આવેલા સાગરીતો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી આદરી છે.