ગોળ કેરી, છુંદો, મુરબો, ચણા મેથી, ગળ્યા લીંબુ, ખાટા લીંબુ સહિત ૨૮૭ કિલો અથાણાનો નાશ
સામાન્ય રીતે લોકોના મનમાં એવી છાપ હોય છે કે ગ્રામ સિલ્ક ખાદી ઉધોગમાં વેચાતી વસ્તુઓ શુદ્ધ અને ગુણવતાયુકત હોય છે પરંતુ લોકોની આ માન્યતા ખોટી પડી રહી છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગ્રામ સિલ્ક ખાદી ઉધોગમાં એકસપાયરી ડેટવાળા અથાણાનો જંગી જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, આજે વિદ્યાનગર મેઈન રોડ પર આવેલા ગઢડા સંચાલિત ગ્રામ સિલ્ક ખાદી ગ્રામ ઉધોગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોળ કેરી, છુંદો, મુરબો, ચણા મેથી, ગળીયા લીંબુ, ખાટા લીંબુ અને કેરડા સહિતના અથાણા એકસપાયરી ડેટવાળા વેચાતા હોવાનું માલુમ પડયું હતું. ૫૦૦ ગ્રામ અથાણા કંપની સિલ્ક પેક જે કંપની દ્વારા જ વેચવામાં આવતા હોય છે.
એકસપાયરી ડેટ વિત્વા છતાં નહીં વેચાયેલા આવા અથાણાને પાંચ કે દસ કિલોના પ્લાસ્ટીક ડબ્બામાં લુઝ ભરી વેચવામાં આવતા હતા. ૧૫ કિલોના અથાણાના ડબ્બા પર કોઈપણ પ્રકારના લેબલ હતા નહીં. પ્લાસ્ટીકની થેલીમાં અથાણા વેચવામાં આવતા હતા.
છેલ્લા ૭ વર્ષથી રીટેલ આઉટલેટ પરથી અમદાવાદની દસક્રોઈ અને દસલાનીથી આવા અથાણા લાવીને વેચવામાં આવતા હોવાનું માલુમ પડયું હતું. આજે ચેકિંગ દરમિયાન ૪૦,૧૮૦ની કિંમતના ૨૮૭ કિલો અથાણા અને ૧૮૭૦ની કિંમતના ૧૭ લીટર શરબતના જથ્થાનો નાશ કરાયો હતો.