કોર્પોરેટર પદેથી પણ ગેરલાયક ઠેરવવા કાયદેસરની કાર્યવાહી કરવા મહેશ રાજપુતની પ્રદેશ પ્રમુખને લેખિતમાં રજુઆત
વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર નિતીન રામાણી અવાર-નવાર પક્ષ વિરોધી પ્રવૃતિ કરી રહ્યા હોય અને જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ભાજપ તરફી ઝુકાવ હોવાના કારણે તેઓને તાત્કાલિક અસરથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી કોર્પોરેટરપદે ગેરલાયક ઠેરવવા માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુત દ્વારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને ધગધગતો રીપોર્ટ કરવામાં આવ્યો છે.
તેઓએ આ રીપોર્ટમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.૩માં કોંગ્રેસમાંથી ચુંટાયેલા નિતીન રામાણી કેટલા સમયથી ભાજપની તરફેણમાં રહે છે.
તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે પણ નિતીન રામાણી સ્ટેજ પર હતા અને ગુજરાત ભાજપ પ્રમુખનું સ્વાગત પણ તેઓએ ફુલહારથી કર્યું હતું. જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીમાં વ્હીપનું પાલન કરવાના બદલે અનાદર કરે છે. કોંગ્રેસના તમામ કોર્પોરેટરોની વિનંતી છે કે તેઓને તાત્કાલિક અસરથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે અને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા માટે કાયદાકીય કાર્યવાહી કરાઈ.