ખનિજ ચોરીમાં બે માસની એડવાન્સ લાંચના રૂ.૬૦ હજાર માલતદાર વતી ડ્રાઇવરે સ્વીકારી: મામલતદાર કાયદાવિદના શરણે

વાંકાનેરના મચ્છ નદીમાં થતી ગેરકાયદે ખનિજ ચોરી સામે આંખ આડા કાન કરી ખનિજ ચોરી પેટે બે માસના એડવાન્સ લાંચના રૂ.૬૦ હજાર મામલતદાર વતી ડ્રાઇવરે સ્વીકારતા એસીબી સ્ટાફે રંગેહાથ ઝડપી મામલતદારની સામે લાંચનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

મચ્છ નદીમાંથી મોટા પ્રમાણમાં ખનિજ ચોરી થતી અટકાવવાના બદલે ગેર કાયદે રેતીની ચોરી થવા દેવા અને તેના બદલે વાંકાનેર મામલતદાર વી.સી.ચાવડાએ ખનિજ માફિયાઓ પાસે દર માસે રૂ.૩૦ હજારની લાંચ નક્કી કર્યા બાદ બે માસના એડવાન્સ રૂ.૬૦ હજાર આપવા જણાવ્યું હતું.

રેતી ચોરી કરતા ખનિજ માફિયાઓએ અમદાવાદ એસીબીમાં આ અંગે ફરિયાદ નોંધાવતા એસીબીના પી.જે.ચૌધરી સહિતના સ્ટાફે વાંકાનેરના નવાપુરા રિક્ષા સ્ટેન્ડ પાસે છટકુ ગોઠવતા મામલતાદ ચાવડા વતી તેના ડ્રાઇવર ઇલિયાસ ઓસમાણ રૂ.૬૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.

ડ્રાઇવર ઇલિયાસની લાંચના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા તેને મામલતદાર ચાવડા વતી લાંચ સ્વીકારી હોવાની કબુલાત આપતા એસીબી સ્ટાફે મામલતદાર વી.સી.ચાવડાની શોધખોળ હાથધરી છે. વી.સી.ચાવડા લાંચના ગુનામાં બચવા એડવોકેટનું માગ દર્શન મેળવવા ભુગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.