મહાત્મા ગાંધી મ્યુઝિયમ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાતીર્થ બની રહેશે: નરેન્દ્ર મોદી
ગુજરાતની ધરતી પ્રભાવશાળી છે જેને વિશ્વને બે મોહન આપ્યા એક ચક્રધારી અને બીજા ચરખાધારી મોહન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશ દર્શન યોજના અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જયાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે રૂ.૨૬ કરોડના ખર્ચે વિશ્વ કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મ્યુઝિયમ સહિતના અલગ-અલગ ૧૦૪.૨૧ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ કરવા માટે રાજકોટ પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાતીર્થ બની રહેશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મારે મન આજનો અવસર રાજકોટના આંગણે છે પરંતુ આ અવસર સમગ્ર વિશ્વ માટે, માનવ જાત માટે અને આવનારા યુગો માટે છે. પ્રત્યેક રાજકોટવાસીઓના મનમાં એક પ્રશ્ન ચોકકસ ઉઠશે કે શું રાજકોટનો ગાંધીજી પર કોઈ જ હકક ન હતો. કયાં કારણોસર અત્યાર સુધી રાજકોટને ગાંધીથી અને ગાંધીને રાજકોટથી જુદા પાડી દેવાયા. કોના લાભાર્થે ગાંધીજી જેવા મહાપુરુષને પ્રાસંગિક બનાવી દેવામાં આવ્યા છે માત્ર ૨જી ઓકટોબર અને ૩૦મી જાન્યુઆરીએ માત્ર બાપુને પુષ્પાંજલી કરી પૂરું કરી દેવામાં આવે છે જે ધરતીએ ગાંધીજીનું ઘડતર કર્યું, જયાં ગાંધીજીએ જીવનના ૭ વર્ષ વિતાવ્યા, રાજકોટની માટીને ખુંદતા અને રાજકોટનું પાણી પીતા મહાત્મા ગાંધીજીની શરૂઆત અહીંથી થઈ હતી.
માનવતામાં વિશ્વાસ કરનાર દરેક વ્યકિતનો ગાંધીજી પર પુરો હકક છે છતાં અમુક લોકોએ આટલા વર્ષો સુધી ગાંધીને વિસરી ગયા હતા. ગુજરાતની ધરતી પ્રભાવશાળી છે જેમણે વિશ્વને બે મોહન આપ્યા એક ચક્રધારી અને બીજા ચરખાધારી મોહન. બીજી ઓકટોબરે માત્ર ગાંધીજીનો જન્મ નહોતો થયો પરંતુ એક વિશ્વનો આરંભ થયો હતો.
વિશ્વની એવી કોઈપણ સમસ્યા નહીં હોય જેનું સમાધાન ગાંધી વિચારોમાં ન હોય. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે ગાંધીજીએ આપણે ૧૦૦ વર્ષ પહેલા પ્રકૃતિને અનુપ થવાનું શીખવ્યું છે. આ વિચારો અને સિઘ્ધાંતોએ સંયુકત રાષ્ટ્રએ ભારતવતી મને ચેમ્પીયન ઓફ ધી અર્થનો એવોર્ડ આપ્યો છે. ખરા અર્થમાં આ એવોર્ડના હકકદાર ગાંધીજી અને સવા સો કરોડ દેશવાસીઓ છે.ગાંધી મ્યુઝિયમના નિર્માણથી રાજકોટ હવે વિશ્વના નકશાનું અલગ જ અંગ બની ગયું છે. ગાંધીજી વિશે જાણવું હશે તો વિશ્વના કોઈપણ વ્યકિતએ હવે રાજકોટમાં આવું જ પડશે. વાસ્તવમાં રાજકોટની ધરતી પર ગાંધી મ્યુઝીયમ એ સમગ્ર વિશ્વનું પ્રેરણાતીર્થ બની રહેશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા હતા કે જયાં સુધી કોઈપણ સરકારી યોજનાનો લાભ છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી ના પહોંચે ત્યાં સુધી યોજના સફળ નથી થતી. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને આવાસ મળે છે તેનાથી મને આનંદ થાય છે કે ગાંધીજીના વિચારો મુજબ સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચી છે.
આવાસો માત્ર ચાર દિવાલના નથી અહીં લાઈટ, પાણી, રસ્તા, શિક્ષણ અને ગેસ કનેકશનની પણ સુવિધા છે આ માટે ગરીબોના આશીર્વાદના ખરા હકકદાર પ્રામાણિકપણે ટેકસ ભરતા કરદાતાઓ છે. પહેલા રૂપીયા સગેવગે થતા હતા તેણે બુચ મારી દીધુ છે અને સાચુ કામ પસંદ કર્યું છે જેનો અમને સંતોષ છે.વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીએ હંમેશા સ્વચ્છતાને અગ્રતા આપી છે. તેઓ આપણને કહેતા હતા કે ચાર વાર નાહીએ છીએ પરંતુ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા નથી રાખતા. દેશને સ્વચ્છ બનાવવાનું બીડુ આપણે ઝળકયું છે.
સ્વચ્છતા માત્ર સરકારનું કામ નથી સમાજે તેમાં જોડાવવું પડશે. ગાંધીજી આપણી પાસે સ્વચ્છતા માંગી રહ્યા છે અને આજે સમયની પણ એજ માંગ છે. ડબલ્યુ.એચ.ઓ.ના રીપોર્ટ કહે છે કે ગંદકી દુર કરી સ્વચ્છતા અભિયાન ઉપાડવામાં આવ્યું છે તેનાથી ૩ લાખ બાળકોના જીવ બચ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરુષોતમભાઈ પાલા, રાજય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઈ વસાવા, જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા અને મેયર બીનાબેન આચાર્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
‘ચેમ્પિયન ઓફ ધી અર્થ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન
યુનાઈટેડ નેશન દ્વારા તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે ચેમ્પીયન ઓફ ધી અર્થનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સભાસ્થળે ઉપસ્થિત લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ચેમ્પીયન ઓફ ધી અર્થ એવોર્ડ ભારતવતી ભલે મને મળ્યો હોય પરંતુ તેના સાચા હકકદાર સવા સો કરોડ દેશવાસીઓ જ છે.
કેમ છો ? બધા, કેમ ઠંડા પડી ગયા છો, આમ હાલે કંઈ
વડાપ્રધાને ગઈકાલે રાજકોટમાં પોતાના ભાષણની શઆત આગવી સ્ટાઈલ મુજબ જ કરી હતી. તેઓએ સૌપ્રથમ રાજકોટવાસીઓના ખબર-અંતર પુછયા હતા. કેમ છો બધા મજામાં તેવા ઉદગાર વડાપ્રધાનના મુખમાંથી નિકળતાની સાથે જ સમીયાણો મોદી…મોદી…ના નાદથી ગુંજી ઉઠયો હતો જોકે વડાપ્રધાનને રાજકોટવાસીઓનો અવાજ થોડો નબળો લાગતા તેઓએ આગવી છટામાં કહ્યું હતું કે, કેમ ઠંડા પડી ગયા છો, આમ હાલે કંઈ તેવું બોલતા જ ઉપસ્થિત માનવ મેદની
જાણે રંગમાં આવી ગઈ હોય તેમ જોરશોરથી ફરી મોદી…મોદી…ના ગગનભેદી નારા ગુંજવા લાગ્યા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણનો પ્રસંગ હોય એવું માનવામાં આવતું હતું કે, વડાપ્રધાન હિન્દીમાં સંબોધન કરશે પરંતુ તેઓએ ગુજરાતીમાં સંબોધન કરી આગવી સ્ટાઈલ મુજબ શરૂઆત કરતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે.
ગાંધીજીનું જીવન વર્તમાન અને ભાવી પેઢી માટે પથદર્શક: પ્રધાનમંત્રીવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમને રસપૂર્વક નિહાળ્યું
સ્વદેશ દર્શન યોજના હેઠળ ગાંધી સર્કિંટ અંતર્ગત રાજકોટ શહેરમાં નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે લોકાર્પણ કર્યું હતું. મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં રૂ. ૨૬ કરોડના ખર્ચથી આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પ્રવાસન સ્થળોના આકર્ષણમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
ચૌધરી હાઇસ્કૂલ ખાતે જાહેરસભા પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સીધા જવાહર રોડ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પહોંચ્યા હતા. અહીં પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવાએ સુતરની આંટી તથા મેયર મતી બિનાબેન આચાર્યએ શાલ આપી સ્વાગત કર્યું હતું.બાદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વડાપ્રધાનને હ્રદય કુંજ તરફ દોરી ગયા હતા. મહાત્મા મ્યુઝિયમમાં સાબરમતી આશ્રમના હ્રદય કુંજ સમાન પ્રાર્થના ખંડ બનાવવામાં આવ્યો છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજનની સુરાવલિ વચ્ચે અહીં મહાનુભાવોએ મહાત્મા ગાંધીને સુરતની આંટી અર્પણ કરી તેમના પુણ્યનામનું સ્મરણ કર્યું હતું.
મ્યુઝિયમમાં ભોંય તળિયે રૂમ નં. ૨ અને ૩માં ગાંધીજીના જન્મ સ્થાનઉપરાંત પરિવારજનો અને દક્ષિણ આફ્રિકા જતા પૂર્વે મોહનદાસે તેમની માતા પૂતળીબાઇને આપેલા વચનની ઝાંખી નીહાળી હતી. જ્યારે, એ બાદના રૂમ નં. ૪માં મોહનદાસને મહાત્મા બનાવવામાં નિમિત ઘટના એટલે કે સાઉથ આફ્રિકા જતા પિટર્સબર્ગ સ્ટેશનને બનેલી ઘટનાની રૂપરેખા પણ મહાનુભાવોએ રસપૂર્વક નીહાળી હતી.
ભારતમાં અંગ્રેજ શાસનને લુણો લગાડનાર આંદોલન મીઠાનો સત્યાગ્રહ અને દાંડીકૂચની પ્રતિકૃતિને પણ વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોએ નીહાળી હતી.
એ બાદ પ્રથમ મજલે આવેલા સર્વધર્મ સમન્વય, જેલમાં અંતેવાસ, ગાંધીજીના જીવન શૈલી સાથે વિવિધ પ્રયોગોના રૂમની પણ મુલાકાત લીધી હતી.
એ બાદ તેઓ મ્યુઝિયમના કોર્ટયાર્ડમાં આવ્યા હતા અને અહીં પ્રસ્તુત કરવામાં આવેલી ગાંધીજીના જીવન પર બનેલ ૩ઉ મેપીંગ ફિલ્મ નિહાળી હતી.
વડાપ્રધાનમોદી મહાત્મા ગાંધી મ્યુઝિયમના નિર્માણથી પ્રભાવિત થયા હતા અને અહીં આંતરરાષ્ટ્રીકક્ષાના વિશાળ વિડીયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, ગાંધી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ,ઇન્ટરેક્ટીવ મોડ ઓફ લર્નિગથી સજ્જ મ્યુઝિયમ મલ્ટીમીડિયા મિની થીયેટર, મોશન ગ્રાફિક, ઓગ્મેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વિડીયો પ્રોજેકશન ૩-ઉ પ્રોજેકશન મેપીંગ ફિલ્મથી ગાંધીજીવન તાદ્રષ્ય તેવી વ્યવસ્થા તેમણે ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી.
અંતમાં પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીએ સોવેનિયર શોપની મુલાકત લીધી હતી અહી તેમણે નોંધપોથીમાં પૂ. બાપુને વર્તમાન અને ભાવિપેઢીના પથદર્શક ગણાવ્યાં હતાં. તેમજ સાચા ભારતીય તરીકે પૂ. બાપુમાંથી પ્રેરણા લઈ આપણે પણ સમાજ માટે કઈક પ્રદાન કરવું જોઈએ અને તેજ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે તેમ વિશેષમાં લખ્યું હતું.
પ્રધાનમંત્રીની મ્યુઝિયમની મુલાકત દરમ્યાન મેયર મતી બીનાબેન આચાર્ય, મ્યુ. કમિશનરબંછાનીધી પાની, મુખ્ય સચિવજે. એન. સિંહ, વંદના રાજ, પ્રવાસન વિભાગ અગ્ર સચિવએસ. જે. હૈદર, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, સ્ટે. કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા.